અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હાલ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ યથાવત છે.
આજે ક્યાં પડી શકે છે વરસાદ?: આજે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોને બાદ કરતા રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે. ગુરુવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા વરસાદના કેટલાક સ્પેલ રહી શકે છે. સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહી હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં થયેલા વરસાદ સામાન્ય કરતા વધુ છે.
માછીમારોને દરિયો ખેડવાની મનાઈ: 3જી ઓગસ્ટની બપોરે ડૉ. મોહંતીએ પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી આપીને જણાવ્યું હતું કે, દરિયામાં પવનની ગતિ વધુ રહેશે, આ સાથે દરિયામાં તોફાની રહેવાની શક્યતાઓને જોતા માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી શું કહે છે?: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.