અમદાવાદ : જ્યાં એક તરફ જી-20 બેઠક ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી વાત સામે આવી છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયમાંથી જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ દેશભરમાં ગુજરાત નિકાસમાં અવ્વલ રહ્યું છે. દેશમાંથી થતાં નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 29.68 ટકાએ પહોંચી ગયો છે.
નિકાસમાં અવ્વલ : જી-20 અંતર્ગત એકતાનગરમાં ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આયાત-નિકાસની સંભાવના અને તકો ઉપર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર વિદેશમાં થતી નિકાસમાં ગુજરાતનો આંકડો સૌથી વધુ છે. દેશમાંથી થતાં નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 29.68 ટકાએ પહોંચી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી રૂ. 84,500 કરોડની નિકાસ કરવામાં આવી છે. તો બીજી અમદાવાદથી ભરૂચ સુધી ઇન્ડસ્ટ્રીઝનો એક આખો પટ્ટો ધરાવતા વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 69,842 કરોડની નિકાસ થવા પામી છે.
સતત ત્રણ વર્ષથી ટોપ : વર્ષ 2021-22માં ગુજરાતમાંથી કુલ રૂ. 9,45,796 કરોડની નિકાસ થઇ હતી. આ દેશની કુલ નિકાસમાં 30.05 ટકા હતી. એ વર્ષમાં મહારાષ્ટ્રનો હિસ્સો 17.32 ટકા હતો અને ત્રીજા ક્રમે 8.34 ટકા સાથે તમિલનાડુ રહ્યું છે. એ પછીના વર્ષ 2022-23 માં ગુજરાતની કુલ નિકાસમાં 3 ટકાથી માતબર વૃદ્ધિ નોંધાઇ હતી. તે વર્ષમાં ગુજરાત રૂ. 12,00,001 કરોડ મૂલ્ય ધરાવતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. જે દેશની કુલ નિકાસમાં 33.14 ટકા હિસ્સો ધરાવે છે. આ નાણાકીય વર્ષ દરમિયાન પણ મહારાષ્ટ્ર 16 ટકા સાથે બીજા રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીમાં રૂ. 84,500 કરોડની નિકાસ થઇ છે. આ આંકડો પણ દેશના તમામ રાજ્યો પૈકી સૌથી વધારે છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિકાસ કરવામાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સતત ટોપ ઉપર છે.
રાજ્યમાં અમદાવાદ પ્રથમ : ગુજરાતમાંથી નિકાસ કરતા જિલ્લામાં અમદાવાદ પ્રથમ ક્રમ પર છે. ચાલુ વર્ષમાં અમદાવાદમાંથી રૂ. 7620 કરોડની નિકાસ થઇ છે. દવા, મશીનરી, સ્માર્ટફોન, આભૂષણો, ચોખા, કપાસ અને કાપડ સહિતની વસ્તુઓની અધિકત્તમ નિકાસ અમદાવાદથી થઇ છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર આ આંકડા રોજગારીના સર્જન માટે ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નીતિ, સેક્ટરવાઇઝ પોલિસી અને કેન્દ્ર સરકારની નિકાસ પ્રોત્સાહક યોજનાનું પરિણામ છે. ગુજરાતમાં નિકાસને વેગ મળવા પાછળ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત ગુજરાત ઇઝ ઓફ લોજીસ્ટીક, લીડ ઇન્ડેક્સ અને કાર્ગો હેન્ડલિંગમાં શીર્ષ રાજ્ય છે.
વિકાસશીલ વડોદરા : વડોદરામાંથી પણ અનેક વસ્તુઓની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ નિકાસથી વિદેશી હુંડિયામણ રળી આપવામાં વડોદરા પણ આગે કદમ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન વડોદરામાંથી થયેલી નિકાસનું મૂલ્ય અનુક્રમે રૂ. 31,248 કરોડ, રૂ. 35,785 કરોડ અને રૂ. 2808 કરોડ છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 69,842 કરોડની નિકાસ થઇ છે. વડોદરામાંથી મહત્તમ કેમિકલ, દવા, મશીન અને તેના પાર્ટ્સ, સ્માર્ટફોન સહિતની વસ્તુઓની નિકાસ થાય છે.