અમદાવાદઃ અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીના રૂટ પર આવતા મકાનોને ખાલી કરાવવા મુદ્દે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવેલી નોટિસને પડકારતી રિટ મુદે હાઇકોર્ટે વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મકાનમાંથી સામાન ખાલી કરાવવા બાબતે 1લી એપ્રિલ સુધીનો વચ્ચગાળાનો સ્ટે આપ્યો છે.
હાઇકોર્ટમાં 5 અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેમને વૈકલ્પિક મકાન ફાળવવામાં આવ્યાં છે. જે પૂરતાં નથી અને આ અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને લેખિત જાણ પણ કરવામાં આવી છે. જોકે, વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરમાંથી સામાન વૈકલ્પિક મકાનમાં ટ્રાન્સફર કરવા બાબતે થોડો સમય ફાળવવામાં આવે. જેને માન્ય રાખતાં હાઇકોર્ટે 1લી માર્ચ સુધીની વચગાળાની રાહત આપી છે.
1લી બાદ અરજદારોએ તેમનો સમાન ખસેડવો પડશે. મકાન ખાલી કરાવવા માટેની નોટિસ GMRC દ્વારા 19મી માર્ચના રોજ પાઠવવામાં આવી હતી. હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કુલ 5 અરજદાર પૈકી એક અરજદારે તો મકાન ખાલી પણ કરી દીધું છે. હાઇકોર્ટે લીધેલી સુઓ મોટોમાં કરેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને 1લી એપ્રિલ સુધી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને કોઈ પણ પગલાં ન લેવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, હાઇકોર્ટે મકાન ખાલી કરવાના ભથ્થારૂપે રૂપિયા 50 હજાર પણ અરજદારોને ચૂકવવાનો આદેશ કર્યો છે.