Gujarat Rain Forecast: ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા - The Meteorological Department has predicted
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્યમાં વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. જોકે હવે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતા ફરી એકવાર વરસાદ પડી શકે છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી જોતાં આગામી 3 દિવસ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે એટલે હજુ પણ લોકો વરસાદનો ધમાકેદાર ચોથો રાઉન્ડ શરૂ થયા તેની પહેલાં થોડીક નિરાંત અનુભવી શકશે.
આગામી ત્રણ દિવસની આગાહી: હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે. સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 78.91 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
જળાશયોની સ્થિતિ: રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 61 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 28 જળાશયો મળી કુલ 89 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 21 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.