અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી મન કી બાત કાર્યક્રમનો આજે 100 મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દેશભરમાંથી હજારો લોકોએ કાર્યક્રમને લાઈવ સાંભળ્યો હતો. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતની 33 જેલમાં કેદ 17,000 થી વધુ કેદીઓએ પણ પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. જેલ વિભાગ દ્વારા કેદીઓ આ કાર્યક્રમને સાંભળી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
જેલ વિભાગ દ્વારા વિશેષ આયોજન: જેલ વિભાગ દ્વારા અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મન કી બાતના પ્રસારણને કેદીઓ જોઈ શકે તે માટે જેલમાં આવેલા પંજા તેમજ નવી જેલમાં શાંતિનિકેતન બેરેક અને મહિલા જેલમાં મેડીટેશન હોલ ખાતે પ્રોજેક્ટરનું આયોજન કર્યું હતું. પ્રોજેક્ટર દ્વારા તેમજ અન્ય બાકી રહેતા કેદી આરોપીઓને પોતાની બેરેકોમાં ટીવી દ્વારા કેદીઓ મન કી બાત કાર્યક્રમનું સોમુ પ્રસારણ જોઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ વિભાગના વડા દ્વારા ગુજરાતની નાની મોટી 33 જેલોમાં તમામ કેદી અને આરોપીઓ આ કાર્યક્રમને સાંભળી શકે તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
'કેદીઓના જીવનમાં પરિવર્તન આવે અને તે જેલમાંથી છૂટીને બહાર નીકળે ત્યારે સારા વિચારો સાથે નીકળે તેવા હેતુથી આ કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું છે.' -ડૉ. કે. એલ.એન રાવ, જેલ વિભાગના વડા
17,000 કેદીઓએ નિહાળ્યો કાર્યક્રમ: જેલમાં બંધ કેદીઓ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને સાંભળી પ્રધાનમંત્રીના જીવન સિદ્ધાંતોને અનુસરીને એક સારી સકારાત્મક વિચારધારા લઈને જેલમાંથી છૂટીને સારું જીવન જીવી શકે તેવા ઉમદા આશયથી જેલ વિભાગના વડા ડૉ. કે.એલ.એન રાવે કેદીઓ માટે આયોજન કર્યું હતું. જે કાર્યક્રમમાં જેલમાં કેદ કાચા કામના તેમજ પાકા કામના 17,000 જેટલા બંદીવાન ભાઈઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો Gujarat Foundation Day 2023: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ, કલાકરોએ કર્યું રિહર્સલ