- 94 વર્ષે માધવસિંહ સોલંકીનું આજે સવારે થયું નિધન
- લાંબા સમયથી બીમાર હતાં માધવસિંહ સોંલંકી
- ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને થયું નિધન
અમદાવાદઃ સત્તાનો સૂર્ય ઝગમગતો હોય તેવી ખુરશીઓમાં મુખ્ય ખુરશી એટલે તે મુખ્યપ્રધાન પદ. તેના પર ચાર ચાર વાર આસનસ્થ થવાનું સદનસીબ પ્રાપ્ત કરનાર ગુજરાતના એકમાત્ર નેતા એટલે માધવસિંહ સોલંકી. 1975થી લઇને 1985 સુધીનો સમયગાળો તેમના માટે તેમજ ગુજરાત રાજ્યના પરિવર્તન માટેનો મહત્ત્વનો સમયગાળો સિદ્ધ થયેલો છે તે બેશક છે. માધવસિંહ સોલંકીની સેવાઓ, જાહેર જીવન અને સમાજ જીવનમાં તેમના પ્રદાનની સરાહના કરતાં એટલે જ તો ભાજપની સરકારે પણ બેઠક બોલાવીને શોકદર્શક પ્રસ્તાવ પણ પસાર કર્યો છે.
માધવસિંહ ફૂલસિંહ સોલંકીનો જન્મ 30 જૂલાઈ 1927ના દિવસે બોરસદના પીલુન્દ્રામાં થયો હતો. જોકે, તેમનું પ્રાથમિક ભણતર ભરુચના આમોદમાં થયું હતું. પહેલેથી તેઓ ભણવામાં ધ્યાન આપનાર વિદ્યાર્થી હતાં અને તે માટે તેમનો ધ્યેય હતો કે, ભણીગણીને નોકરી મેળવવી અને કમાતાં થવું જેથી પરિવારને મદદ કરી શકે. ઘરની ખેતી હતી પણ તે એક વીઘા જમીનની હતી. પરિવારને નાણાંની તંગી હંમેશા રહેતી હતી. જેથી તેમણે આવું ધ્યેય રાખ્યું હતું. જોકે, વિધિનું વિધાન કંઇક અલગ હતું. જે રસ્તે આગળ જતાં તેમને મહાગુજરાત ચળવળના લોકનેતા ઇન્દુલાલ યાજ્ઞિકના પરિચય સુધી લઇ ગયો અને તેનાથી તેમની પત્રકાર તરીકેની કારકિર્દી શરુ થઈ હતી. સાબરમતી આશ્રમમાં રહેવાની જગા મળી. આ ગાળામાં અમદાવાદની ગુજરી બજાર કે, જ્યાં પુસ્તકો સસ્તા ભાવે મળી જતાં ત્યાંના તેઓ નિયમિત મુલાકાતી હતાં. મૂળમાં જ્ઞાનપિપાસુ જીવ ખરોને. આ ઉલ્લેખ કરવા સાથે એ હકીકત નજરમાં રાખવી રહી કે, આ જ માધવસિંહ સોલંકીની વ્યક્તિગત લાયબ્રેરીમાં સાચે જ વિશાળ કહી શકાય તેવા, 15,000થી વધુ પુસ્તકો જોવા મળ્યાં હતાં અને તેમની પુસ્તકપ્રીતિ ભલભલાને ઇર્ષા કરાવે તેવી હતી. કહેવાય છે કે, પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે એ વાત માધવસિંહના દાખલામાં તો સાવ સાચી છે.
માધવસિંહ પત્રકાર બન્યાં ગુજરાત સમાચારમાં. તેમાં પણ તેમને ઇન્દુલાલ યાજ્ઞિકની ભલામણ ચિઠ્ઠીથી કામ કરવાની તક મળી હતી. ગુજરાત સમાચારના માલિક ઇન્દ્રવદન મહેતાએ એ ચિઠ્ઠીનું વજન પારખીને માધવસિંહને સબ એડિટરની નોકરી આપી હતી. બે વર્ષની આ નોકરીએ માધવસિંહની પ્રતિભાને નિખાર આપ્યો હતો. માધવસિંહે 'ગ્રામ વિકાસ' સાપ્તાહિક માટે પણ લેખો અને અનુવાદ લેખનનું કામ કર્યું હતું. આ નોકરી પછી માધવસિંહ 'લોકનાથ' સામયિકના એડિટર પણ બન્યાં હતાં.
રાજકારણની કેડીએ પગરણ
માધવસિંહ સોલંકી સાબરમતી આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમના મિત્ર હમીદ કુરેશીએ તેમની વિધાનસભા ચૂંટણી લડવાનું સૂચન કરેલું પણ પોતાની પારિવારિક જવાબદારીથી સભાન માધવસિંહે તે વાત હસવામાં કાઢી નાખી હતી. પણ નસીબ તેમને અહીં જ ખેંચી લાવનારું બની રહ્યું. ગુજરાત બન્યું ન હતું ત્યારે 1957ની વિધાનસભા ચૂંટણીઓમાં લડવાનો પ્રસ્તાવ હમીદે આપેલો. પણ એ વખતના મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલે માધવસિંહના સસરા ઇશ્વરભાઈ ચાવડાને પત્ર લખ્યો હતો અને માધવસિંહને ઉમેદવારી માટે પૂછાવેલું. પણ કોઇ જવાબ આપવામાં આવ્યો નહીં. તે મૌનને હા માનવામાં આવી અને માધવસિંહનું નામ ઉમેદવારની નામ યાદીમાં આવી ગયેલું. આમ, બાબુભાઈ જશભાઈ પટેલના પોસ્ટકાર્ડના નિમિત્તે કરીને માધવસિંહનું બોરસદ વિધાનસભા ચૂંટણીમાં જીતવા સાથે રાજકારણમાં પગરણ થયું. વિધિનું જ એ વિધાન પણ હતું કે, માધવસિંહ સોલંકી 1976માં પહેલીવાર મુખ્યપ્રધાન બન્યાં ત્યારે, જ્યારે કે, બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર પડી ભાંગી હતી. માધવસિંહ સોલંકી જોકે, ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પછીની પહેલી ચૂંટણી 1962માં આવી ત્યારે જે સરકાર બની, ડૉ. જીવરાજ મહેતાની સરકારની, તેમાં મહેસૂલપ્રધાન તરીકે પહેલીવાર પ્રધાનપદે પહોંચેલાં. આ પછી તેઓ 1975 સુધી દરેક કોંગ્રેસ સરકારમાં પ્રધાન તો બની જ રહ્યાં હતાં. તે તેમનું વધી રહેલું રાજકીય વજન સાબિત કરે છે. માધવસિંહ સોલંકી 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યાં હતાં. સોલંકીની રાજકીય કારકિર્દીની શરૂઆત 1947થી થઈ હતી. તેઓ 1976માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં. સને 1981થી 1985 અને 1989થી 1990ના સમયગાળામાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે સેવા આપી. તેમણે 1991-1992ના સમયગાળામાં ભારત સરકારમાં વિદેશપ્રધાન પદે પણ સેવાઓ આપી હતી.
કોંગ્રેસ તરફની અપ્રતિમ વફાદારીનું બીજું નામ એટલે માધવસિંહ સોંલકી
માધવસિંહ સોલંકીને કોંગ્રેસના એવા સુસજ્જ સૈનિક માનવામાં આવ્યાં છે. જેણે વફાદાર શબ્દને ચરિતાર્થ કર્યો હતો. ગુજરાતમાં હાલમાં તો સ્થિર શાસન જોઇને મોટી થયેલી પેઢીને ગુજરાતની 1976-77ના અરસાની પ્રવાહી પરિસ્થિતિનો ઇતિહાસ કદાચ જાણમાં ન હોય. પણ ગુજરાતમાં એ વખતે કટોકટી, જનતા પાર્ટીની સરકારની આયારામ ગયારામ સરકારનોએ ગાળો હતો. તો પણ માધવસિંહે કોંગ્રેસનો હાથ તરછોડ્યો ન હતો. એટલે સુધી કે, પક્ષપલટાઓના કારણે આની સરકાર તેની સરકારની સંતાકૂકડીમાં 1977ના એપ્રિલમાં કોંગ્રેસ લઘુમતીમાં આવી જતાં 10 એપ્રિલ 1977ના રોજ બહુમતી ગુમાવતાં માધવસિંહ સોલંકીની સરકારે સત્તા ગુમાવી હતી. બીજીતરફ ઇન્દિરા કોંગ્રેસની મજબૂતી વધતાં માધવસિંહની વફાદારી વધુ મજબૂત બની અને તેઓ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ખાસ બની રહ્યાં હતાં. કોંગ્રેસની સરકારમાં આ કારણે તેઓ મહત્ત્વના ગણાતાં વિદેશપ્રધાન પણ બન્યાં હતાં. જોકે, બોફોર્સકાંડે ગાંધીપરિવારને જે પરિસ્થિતિમાં મૂક્યું તેમાં જો માધવસિંહ સોલંકીના પાસે રહેલી ચિઠ્ઠી બહાર આવી ગઈ હોત તો મુશ્કેલીઓ કેટલી વધી ગઈ હોત તે એ સમયના જાણકારોને ખબર છે. અતિકઠિન એવા એ સમયમાં પણ માધવસિંહ સોલંકી ઇન્દિરા ગાંધી અને પછી તેમના સુપુત્ર રાજીવ ગાંધીના જમણા હાથ સમાન વિશ્વાસુ અને વફાદાર સિદ્ધ થયાં હતાં. એ ચિઠ્ઠીમાં શું હતું તે આજ દિન સુધી કદી બહાર આવ્યું નથી અને હવે કદી પણ બહાર આવશે નહીં. તો આ હતી તેમની પક્ષ તરફની, ગાંધી પરિવાર તરફની વફાદારી.
ગુજરાતના રાજકારણમાં તેમના નિર્ણયોનો પ્રભાવ
ગુજરાતમાં તેઓ ચાર વાર મુખ્યપ્રધાન પદે બેઠાં, તેમાં સ્વાભાવિક જ ગુજરાતનું હિત તેમના હૈયે સદાય વસેલું રહ્યું તેની પ્રતીતિ કરાવે તેવા પણ નિર્ણયો લીધાં હતાં. દેશભરમાં બાળકોને શાળામાં ભોજન કરાવતી મધ્યાહ્ન યોજનાનો સૌપ્રથમ વિચાર કરનાર વ્યક્તિ એટલે માધવસિંહ સોલંકી. માધવસિંહ જ્યારે જ્યારે પરદેશ જતાં ત્યારે તેઓ જે તે સ્થળની લાયબ્રેરીની અચૂક મુલાકાત લેતાં તેમ જ જે તે દેશની અવનવી યોજનાઓ વિશે પણ જાણકારી મેળવતાં હતાં. મોસ્કોની એક મુલાકાત દરમિયાન તેમને આ પ્રકારની યોજના વિશે જ્ઞાન મળેલું અને તેમણે આવી યોજના પોતાની સરકારમાં લાગુ પાડી હતી. ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે 68 તાલુકાઓમાં માધવસિંહ સોલંકીએ નવેમ્બર 1984માં આ યોજના લાગુ પાડેલી જ્યારે તેની સફળતાની ખાતરી થતાં રાજ્યભરમાં તેનો અમલ ડીસેમ્બર 1984થી કરાવ્યો હતો જે આજે પણ ચાલુ છે. દેશભરમાં આ યોજના લાગુ પાડવા માટે પણ તેમણે પ્રયાસો કર્યાં અને તેની મોટાગજાના ખર્ચને લઇને ઇન્દિરા ગાંધીએ પહેલાં નકારી હતી. પણ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે આ યોજનાને અંગે વધુ કામ થયું. છેવટે 2001 અને 2004થી તો સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ બાદ દેશમાં પણ આ યોજના લાગુ કરવામાં આવેલી છે. તો આ છે માધવસિંહ સોલંકીનું સર્વદા યશોદાયી યોગદાન.
149 બેઠકો જીતવાનો અભૂતપૂર્વ રેકોર્ડ
માધવસિંહ સોંલકીના નામે 1985ની ચૂંટણીઓમાં 182 બેઠકમાંથી 149 બેઠક પર મેળવેલ અભૂતપૂર્વ વિજય આજે પણ એવોને એવો અકબંધ છે. જેને કરિશ્માઈ નરેન્દ્ર મોદી પણ અતિક્રમી શક્યાં નથી એવો આ કોંગ્રેસની સફળતાનો આંક છે. 1984ના ઓક્ટોબરમાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદના સમયમાં આવેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફના સહાનુભૂતિના જુવાળ અને રાજીવ ગાંધી જેવા નવયુવાન અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નેતાના રાજકારણમાં આગમન સાથે વડાપ્રધાન બનવાને લઇને ગુજરાતની જનતાએ પ્રેમથી કોંગ્રેસની ઝોળી મતોથી તરબતર કરી દીધી હતી અને માધવસિંહ સોલંકી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 149 ધારાસભ્યોના અતિમજબૂત હાથ સાથે સત્તામાં બિરાજમાન થયાં હતાં. તેમનો આ રેકોર્ડ ભાજપ હજુ સુધી તો ઓળંગી શક્યો નથી. હા, ચૂંટણીઓ ટાણે ભાજપના નેતાઓના વિઝનમાં ગુજરાતની 181 બેઠકો જીતી જવાનું સ્વપ્ન અવશ્ય ઝબકી જાય છે.