અમદાવાદઃ બોલીવુડ સિનેમામાં ‘લવ આજ કલ’માં 1990 તથા 2020ની એમ બે અલગ-અલગ લવ સ્ટોરી બતાવવામાં આવી છે. કાર્તિક આર્યન ડબલ રોલમાં જોવા મળ્યો છે. 1990ની લવ સ્ટોરીમાં કાર્તિક આર્યનની સાથે આરૂષી શર્મા છે, જ્યારે 2020ની લવ સ્ટોરીમાં સારા અલી ખાન છે. ફિલ્મમાં રણદીપ હૂડા મહત્ત્વના રોલમાં છે.
ફિલ્મમાં કાર્તિકે વીર તથા સારાએ ઝોઈની ભૂમિકા ભજવી છે. આ બન્ને સમયમાં પોતે ભજવેલા પાત્ર વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘મારા પાત્રનો દેખાવ, તેનો હાવભાવ અને તેની આસપાસના લોકો સાથે તે કેવો વ્યવહાર કરે છે, એ બન્ને પાત્રો વચ્ચેની તફાવતને દેખાડશે. વીર એક મોડર્ન યુવક છે. તે ગીકી છે અને સોશ્યલી થોડો વિચિત્ર છે. તેનેએ વાતની પણ ખાતરી છે કે, તેણે શું કરવુ છે અને એને કારણે તે પોતાની આસપાસનાં લોકોથી પણ જુદો પડી જાય છે. બીજી તરફ રઘુ એક ટીનએજ છોકરાનાં પાત્રમાં જોવા મળશે. તેનો ઉછેર 90નાં દાયકામાં થયો છે. રઘુ અને વીર જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેમનું વર્તન એકદમ અલગ હોય છે. રઘુ જ્યારે ઉદયપુરમાં તેની હાઇ સ્કુલની ક્રશ લીના સાથે પ્રેમમાં પડે છે, ત્યારે તે ખૂબ જ ઉત્સાહ અને થ્રિલ અનુભવે છે. વીરને ઝોઈ માટે જે પણ લાગણી હોય છે એને તે વ્યક્ત નથી કરી શકતો.’
વર્ષ 2009માં આવેલી ઈમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ’ની આ સીક્વલ ફિલ્મ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સૈફે ડબલ રોલ પ્લે કર્યો હતો. સૈફે જયવર્ધન તથા વીર સિંહ પાનેસર એમ બે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રીષિ કપૂર, રાહુલ ખન્ના સપોર્ટિંગ રોલમાં હતા.