અમદાવાદઃ મીઠું એક જીવન જરૂરી વસ્તુ છે. મીઠા વગરનું ભોજન બે-સ્વાદ હોય છે. મીઠું ખૂબ જ સસ્તું હોવા છતાં શરીરના વિકાસ માટે મીઠું અત્યંત જરૂરી છે. મીઠાનું આ મહત્વ હોવા છતાં અને દેશમાં પૂરતું ઉત્પાદન થતું હોવા છતાં, વર્તમાન સમયમાં કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે દેશના જુદા-જુદા રાજ્યોમાં મીઠાની અછત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
![દેશમાં મીઠાના ઉત્પાદનમાં તંગી સર્જાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-05-salt-shortage-special-video-story-7209112_07072020122434_0707f_1594104874_894.jpg)
સોડિયમ ક્લોરાઇડ એટલે કે, મીઠાના ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું સ્થાન ચોથું છે. તે ભારતને મળેલા 7600 કિલોમીટરના દરિયાકાંઠાને આભારી છે. જ્યારે મીઠાના કુલ ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન પહેલું છે,તે પણ ગુજરાતને મળેલ 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને આભારી છે.
ભારતમાં મીઠું કુલ સાત રાજ્યોમાં પાકે છે.જેમાં ક્રમ પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ , મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને સાતમાં રિઝન તરીકે વેસ્ટ બેંગાલની સાથે કર્ણાટક અને ગોવાનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દર વર્ષે 36 મિલિયન મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. તે કુલ ઉત્પાદનમાંથી એકલુ ગુજરાત જ 72% જેટલું મીઠાનું ઉત્પાદન કરે છે. એટલે કે, ગુજરાત સમગ્ર ભારતને અને દુનિયાના કેટલાક દેશોને મીઠું પૂરું પાડે છે, તેમ કહેવું યોગ્ય છે. ગુજરાતમાં ફક્ત કચ્છ જિલ્લામાં જ 10 મિલિયન મેટ્રિક ટન મીઠાનું દર વર્ષે ઉત્પાદન થાય છે.
આ ઉપરાંત દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં જુદા જુદા રાજ્યોના આંકડા નીચે પ્રમાણે છે.
રાજસ્થાન-10 ટકા
તમિલનાડુ-8 ટકા
આંધ્રપ્રદેશ-8 ટકા
મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા વેસ્ટબેંગાલ મળીને 2% મીઠાનું ઉત્પાદન કરે છે. મીઠાના ઉત્પાદન પ્રમાણે તેના અલગ-અલગ પ્રકાર હોય છે. જેમાં 1. દરિયાઈ મીઠું, 2. બોરવેલથી પાકતું મીઠું જે ફક્ત કચ્છમાં પાકે છે, 3.લેક સોલ્ટ મીઠું કે રાજસ્થાનના સાંભર સરોવરમાંથી પાકે છે અને 4.રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું. જે હિમાચલ પ્રદેશ મંડીમાં જ મળે છે અને કુલ મીઠાના ઉત્પાદનમાં તેનો ફાળો 0.5 % જેટલો જ છે. ઉપરના જુદા જુદા પ્રકારના છેલ્લા ત્રણ પ્રકારની સબસોઈલ મીઠું કહે છે.
ભારતમાં વાર્ષિક ઉત્પાદિત થતાં 36 મિલિયન મેટ્રિક ટન મીઠાનો વપરાશ નીચે મુજબ છે:
- 8 થી 8.5 મિલિયન મેટ્રિક ટન મીઠું ખાવા માટે વપરાય છે.
- 9.5 થી 10 મિલિયન મેટ્રિક ટન મીઠું ઉદ્યોગો માટે વાપરવામાં આવે છે.
- 8 થી 11 મિલિયન મેટ્રિક ટન મીઠાની નિર્યાત કરવામાં આવે છે.
- 6.5 થી 10 મિલિયન મેટ્રિક ટન મીઠાનો સ્ટોક કરવામાં આવે છે.
દેશમાં ઉત્પાદિત થતા 36 મિલિયન મેટ્રિક ટન મીઠામાંથી 3.5 મિલિયન મેટ્રિક ટન મીઠું રિફાઇનરીમાં પ્રોસેસ થઈને, પેક થઈને ખાવાના ઉપયોગ માટે સીધુ જ માર્કેટમાં આવે છે.
મીઠું પકવવાનો શ્રેષ્ઠ સમયગાળો ઉનાળાનો હોય છે. કેમ કે, પાણીનું બાષ્પીભવન જલ્દી થતા મીઠું જલ્દી પાકે છે. ચોમાસામાં મીઠું પાકતું નથી અને શિયાળામાં નહિવત માત્રામાં પાકે છે. તેમાં પણ માર્ચ અને એપ્રિલમાં મીઠું પકવવાનો પીક સમય હોય છે. પરંતુ કોરોના વાઈરસને કારણે અગરિયાઓ માટે માસ્ક, સેનેટાઈઝર અને સરકારી ગાઈડલાઈન ફોલો કરવામાં 15 દિવસ જેટલો સમય બગડ્યો હતો. તો બીજી તરફ સંપૂર્ણ લોકડાઉનને કારણે મીઠાના ઉત્પાદનમાં આ વર્ષે 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
પરંતુ, કોરોના વાઈરસને કારણે છેલ્લા ત્રણ મહિનાથી સરહદ પર માલસામાનની આવન-જાવન માટે બોર્ડર બંધ હોવાથી તેમજ દરિયાઈ આયાત-નિર્યાત બંધ હોવાથી મીઠાની નિર્યાત ત્રણ મહિનાથી થઈ નથી,એટલે તેનો સ્ટોક પડયો છે. મીઠાના ઉત્પાદનમાં સૌથી વધુ નુકસાન પુર અને ધોધમાર વરસાદમાં થાય છે. જેમાં મીઠું ધોવાઈ જાય છે. બીજી તરફ, લોકડાઉન થવાથી મીઠાના કેટલાક કારીગરો વતન ચાલ્યા ગયા છે. જો કે મોટાભાગના કારીગરો સ્થાનિક હોવાથી કામ અનુસાર કારીગરો મળી રહે છે.
દેશમાં અનેક રાજ્યોમાં મીઠાની અછત સર્જાવવાના મુખ્ય કારણો આ પ્રમાણે છે...
- મીઠાની અછત સર્જાવાનું મુખ્ય કારણ ટ્રાન્સપોર્ટેશન છે. કારણ કે,લોકડાઉન દરમિયાન મોટા ભાગે ટ્રાન્સપોર્ટેશન બંધ રહ્યું હતું.
- ગયા વર્ષે ચોમાસુ લંબાતા અને આ વર્ષે ચોમાસું સમયસર બેસતાં અને વળી લોકડાઉનના કારણે મીઠું ઉત્પાદન કરવાનો સમય ઓછો મળતા 30% જેટલું ઉત્પાદન ઓછું થયું છે.
- લોકો સુધી મીઠું પહોંચવાનો મોટો આધાર વ્યાપારીઓ હોય છે. પરંતુ જથ્થાબંધ વેપારીઓમાંથી કેટલાક કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી જતા છૂટક બઝારમાં પુરવઠો અટકયો હતો તો છૂટક વેપારીઓએ વધુ ભાવ લેવા તંગી ઉભી કરી હતી.
- મીઠાના ઉત્પાદનમાં માગ અને પુરવઠા નીતિ પણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે, જો સ્ટોક પડયો હોય તો અગરિયાઓ મીઠાનું ઉત્પાદન વધુ કરતા નથી. કારણ કે, આગળનો સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી નવા સ્ટોકના સંગ્રહની સમસ્યા સર્જાય છે. તો ટ્રાન્સપોર્ટેશન બંધ રહેવાથી મીઠાનું વેચાણ કરીને આવક પણ મેળવી શકાતી નથી.પરિણામે મીઠાનું ઉત્પાદન ઓછું થાય છે.
મીઠાના ઉત્પાદન સ્થાનથી ટ્રાન્સપોર્ટેશનમાં રેલવે દ્વારા 60% ટ્રાન્સપોર્ટેશન થાય છે. રોડ દ્વારા 37% ટ્રાન્સપોર્ટેશન થાય છે અને દરિયા દ્વારા 3% ટ્રાન્સપોર્ટેશન થાય છે. આપણે જાણીએ છીએ કે, ટ્રાન્સપોર્ટેશન પણ મર્યાદિત પ્રમાણમાં ચાલું હતું, ત્યારે સરકારે મીઠાનું જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સમાવેશ નહીં કરવાની મોટી ભૂલ કરી હતી. જેથી ક્યાંક આ કારણ પણ મીઠાની અછત માટે જવાબદાર છે.
સમગ્ર રીતે જોતાં મીઠાની અછત જે જુદા-જુદા રાજ્યોમાં સર્જાવાની વાત વહેતી થઈ છે. તે કેટલાંક અંશે સત્ય છે. પરંતુ દેશમાં મીઠાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ફક્ત કોરોના વાઈરસને કારણે સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિઓને લઈને આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણકારો કહી રહયા છે.
બીજી તરફ અનલોક-1 થી જ મીઠાની પ્રોસેસિંગની 50% ફેક્ટરીઓ સંપૂર્ણ રીતે સેનેટાઈઝ થઈને શરૂ થઈ ચૂકી છે. પરંતુ કોરોના વાઈરસને કારણે લગભગ 30-50 દિવસ દરમિયાન મીઠાના ઉત્પાદનની કામગીરીને લઇને જે સમસ્યાઓ સર્જાઇ છે. તેને લઈને ભારતીય મીઠા ઉત્પાદન સંઘ દ્વારા સરકાર સમક્ષ રાહતને લઈને જુદી-જુદી માંગણીઓ કરવામાં આવી છે.
કોરોના રિલીફ પેકેજ 2020માં મીઠા ઉદ્યોગને રાહત આપવામાં આવે
- સરકાર દ્વારા અગરિયાઓને મીઠું પકવવા માટે લીઝ પર જમીન આપવામાં આવે છે અને મીઠા પકવવાના આ ઉદ્યોગ સાથે લગભગ 6.5 લાખ જેટલા લોકોને સીધી રોજગારી મળે છે.ત્યારે લીઝની રકમ અને સમયમાં રાહત આપવામાં આવે
- અગરિયાઓને પીવાના પાણીની વ્યવસ્થા,સ્વાસ્થ્યની જાળવણી વ્યવસ્થાની સાથે સાથે રોડ અને રેલ તેમજ દરિયાઇ કનેક્ટિવિટી મળી રહે તેવી વ્યવસ્થા સરકાર પૂરી પાડે
- વીજળીના બિલમાં મીઠાના ઉત્પાદકોને રાહત આપવામાં આવે
- મીઠાની હિંમત કરતાં તેમાં વપરાતા સંસાધનો જેમકે ઇલેક્ટ્રિસિટી, ફ્યુઅલ,પોર્ટ ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ હોય છે. તેથી તેમાં તેમને રાહત આપવામાં આવે
- સોલાર પંપ અને સોલાર લાઇટ સબસિડાઇઝ્ડ રેટથી મીઠાના ઉત્પાદકોને આપવામાં આવે
ભારતના ફક્ત ત્રણથી ચાર રાજ્યો સમગ્ર ભારતના મીઠાની જરૂરિયાત ઉપરાંત જાપાન અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની મીઠાની જરૂરિયાતો પણ પૂરી પાડે છે, ત્યારે વિશ્વના મોટા ઔધોગિક ક્ષેત્રોમ એક એવા આ મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોને સરકાર રાહત પૂરી પાડે તે અંગે કેન્દ્ર સરકાર તેમજ જુદી-જુદી રાજ્ય સરકારોને પણ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.
આશિષ પંચાલનો વિશેષ અહેવાલ, અમદાવાદ