અમદાવાદઃ લૉકડાઉનમાં રોજિંદા પેટિયું રળતાં લોકો માટે જીવન ગુજરાન કપરું બન્યું છે. જેને લઇને મદદનો હાથ લંબાવતી અનેક સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. તેવી જ રીતે ગરીબો માટે નિઃશુલ્ક અનાજ વિતરણ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશન ગરીબોની વસતીમાં વાહનો ભરીને અનાજ વિતરણ માટે કિટ તૈયાર કરીને આપવા જતી હોય છે. તેવી એક ગાડી ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આજે પહોંચી હતી. ગાડી આવતાં જ લોકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. અગાઉ અહીં કિટની લૂંટનો બનાવ બનેલો હતો તેને ધ્યાનમાં લઇને સોશિઅલ ડિસ્ટન્સ રહે તે માટે કુંડાળા કરવામાં આવેલા હતા. જો કે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સોશિઅલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું ન હતું. ત્યારે અચાનક જ પોલિસે ધીરજ ગુમાવી લાઠીચાર્જ શરૂ દેવાયો હતો જેમાં અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુલબાઈ ટેકરા વિસ્તારની વસતીમાં આ પહેલાં અનાજ વિતરણ કરવા આવતી ગાડીને જોઇને લોકોએ અનાજ કિટની ઝૂંટાઝૂટ કરી હતી અને સોશિઅલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું ન હતું. અભણ, ગરીબ એવી આ વસતીના લોકો રોજનું કમાઈ રોજ ખાય છે ત્યારે બે ટંકનું પેટિયું રળવામાં લૉક ડાઉનના કારણે મુશ્કેલી પડે છે. ત્યારે મફત અનાજની કિટ મેળવવામાં રહી ન જવાય એ માટે સૌ એકસાથે ભેગાં થઇ જતાં હોય છે. આ વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન પણ કરવામાં આવેલો છે જેથી અહીંના લોકો બહાર પણ જઈ શકતાં નથી જેને લઇને રોષની લાગણી છે. તેઓનું કહેવું છે કે દવાખાને જવું હોય તો પણ તો પણ પોલિસ તેમને જવા દેતી નથી.