અમદાવાદઃ શહેરમાં ઉત્સવો અને તહેવારમાં સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં હજારો પરિવારો વસે છે. જે હાલની કોરોના મહામારીના કારણે ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2020ના મોટાભાગના ઉત્સવો, તહેવારની લોકો ઉજવણી કરી શક્યા નથી. હવે નવરાત્રિ અને દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્સવને સુશોભિત, સુગંધિત કરતી ચીજવસ્તુઓની ખરીદીમાં ભારે મંદી જોવા મળી રહી છે.
નવરાત્રિ મહોત્સવમાં ઉપયોગી સામગ્રી પહેલાં કેટલાક પરિવાર ટોપલાં, લારી અને દુકાનોમાં વેચતા હતા. હવે જુદા જુદા વિસ્તારોમાં વિશાળ જગ્યાઓમાં મંડપમાં તહેવારને અનુરૂપ સુશોભન, શણગાર અને પૂજાની સામગ્રીનું વેચાણ થઇ રહ્યુ છે.
વર્ષોથી સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં વિકાસ પટણી કહે છે કે, નવરાત્રિ મહોત્સવને લગતી તમામ ચીજવસ્તુઓનો માલ ભર્યો છે. ફેન્સી હાર, ચુંદડીઓ, પૂજાની સામગ્રી તેમજ મંડપ સુશોભનની વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં છે. વિવિધતા અને ગુણવત્તાવાળી ઉત્સવની ચીજ વસ્તુઓ છે પણ હાલ 50 ટકા કરતાં પણ ઓછું વેચાણ છે. સરકારી ગાઇડલાઇન મુજબ મોટા આયોજનો થઇ શકશે નહીં એવી જાહેરાતને કારણે છેલ્લી ઘડીએ પણ માલ વેચાવવાની સંભાવના ખૂબજ ઓછી છે. પરંતુ અમે આશાવાદી છીએ છેલ્લી ઘડીએ ગ્રાહકો, માતાજીના ભક્તો મંદિર સજાવટ અને પૂજાપાની ખરીદી કરવા જરુર આવશે.
વર્ષ 2020માં રક્ષાબંધન, ગણેશોત્સવ, નવરાત્રિની ચીજવસ્તુઓ વેચવા માટે તૈયાર કરવામાં આવેલા મોટા મંડપ ગ્રાહકો વગર સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે. વેપારીઓને જગ્યાનું ભાડું ચૂકવવામાં પણ તકલીફ પડી રહી છે.