અમદાવાદ: માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. તેના બીજા જ દિવસે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું હતું. આ મુદ્દો દેશ અને વિદેશમાં ચર્ચાસ્પદ બન્યો હતો. કોંગ્રેસે દેશભરમાં લોકસભાનું સભ્યપદ રદ કરવાનો વિરોધ નોંધાવ્યો હતો. દેખાવો કર્યા અને ધરણા પ્રદર્શન પણ કર્યા હતા. ત્યારે ગુજરાતમાં પણ અનેક ધારાસભ્યોનું સભ્યપદ જતાં જતાં રહી ગયું હતું.
આ પણ વાંચો: Rahul Gandhi: સદસ્યતા રદ્દ થતા કોંગ્રેસના નેતૃત્વ સંકટમાં વધારો થયો?
બાબુ બોખિરિયા: ગુજરાતમાં આ અગાઉ એક સભ્યએ સભ્યપદ ગુમાવ્યું હતું અને બે ઘટનામાં સભ્ય પદ રદ થતાં રહી ગયું હતું. પોરબંદરના ભાજપના નેતા બાબુ બોખિરિયા સામે 54 કરોડની ખનીજ ચોરીનો કેસ હતો. પોરબંદર કોર્ટે 15 જૂન, 2013ના રોજ ચૂકાદો આપ્યો હતો. જેમાં બાબુ બોખિરિયાને 5000 રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થઈ હતી. તે વખતે કોંગ્રેસે જોરદાર માંગ કરી હતી કે બાબુ બોખિરિયાએ રાજીનામું આપી દેવું જોઈએ. પણ તે દરમિયાન સજાના હૂકમ સામે અપીલ કરી દીધી હતી. જેથી તેમનું સભ્યપદ રદ થયું ન હતું.
ભગા બારડ: સુત્રાપાડામાં ખનીજ ચોરી કેસમાં કોંગ્રેસના જ ધારાસભ્ય ભગા બારડ સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સુત્રાપાડાના સ્પેશિયલ જસ્ટિસે ભગા બારડ સામે 23 મૌખિક પુરાવા તથા 40 દસ્તાવેજી પુરાવાના આધારે બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફટકારી હતી. તે સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પેશિયલ કોર્ટના ચૂકાદા પછી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ રદ કર્યું હતું. પાછળથી ભગા બારડે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે આદેશમાં સ્ટે આપ્યો હતો. આ સ્ટેનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ સામે રજૂ થતાં તેમનું સભ્યપદ તેમને પાછુ મળ્યું હતું. એટલે કે સભ્યપદ યથાવત રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હવે રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા પર સંસદ સભ્ય લખવા સામે પણ વાંધો, જાણો કોણે આપી ચેતવણી
ભૂપેન્દ્રસિહ ચૂડાસમા: ત્રીજી ઘટના એવી છે કે ભાજપના સીનીયર ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા ધોળકા મતવિસ્તારમાંથી 327 મતથી જીત્યા હતા. તે વખતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂંટણીના આ પરિણામને હાઈકોર્ટમાં પડકાર્યું હતું. રીટમાં આરોપ એવો હતો કે 429 જેટલા બેલેટ મતો ધ્યાન પર લેવામાં આવ્યા નથી અને રીટર્નિંગ ઓફિસર સામે પણ આરોપ કરાયો હતો. ત્યાર બાદ સુનાવણીને અંતે હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે ચૂંટણી રદ કરવામાં આવે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને પગલે આદેશ સામે સ્ટે મળી ગયો હતો અને ભૂપેન્દ્રસિંહુનું સભ્યપદ જતા જતા રહી ગયું હતું.