મહેસાણા: યમરાજ મહેસાણાની ધરતી પર જોવા મળ્યા છે. જી હાં મહેસાણાના મુખ્ય હાઇવે પર આજે યમરાજ જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસની જાગૃતિની શિખામણ આપતા નજરે ચડ્યા હતા. મહેસાણામાં આર ટી ઓ દ્વારા ટ્રાફિક અવરનેસના ભાગ રૂપે યમરાજ સ્વરૂપે લોકોને સમજ આપવામાં આવતી હતી. જોકે એક તરફ આટલી અનોખી રીતે લોકોમાં ટ્રાફિકની સમજણ આપવા માટે પ્રયત્નશીલ થવાની કામગીરીને વધાવવાની તો દૂર રહી ઘણા લોકોએ આ યમરાજના વેશધારી વ્યક્તિને રીતસર અવગણ્યા હતા. તેમની જ સુરક્ષા માટે પોતે રોડ પર સતત દોડાદોડ કરી પરંતુ લોકોમાં તેની કેટલી અસર પડી તે આપણે લોકોએ જ સમજવું રહ્યું.
જો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો તો આજે નકલી યમરાજ આવ્યા છે, કોઈક દિવસ સાચા યમરાજ પણ આવી શકે છે. આ વ્યક્તિનું નામ નરેન્દ્ર છે જે યમરાજનો વેશ ધરી મહેસાણામાં વાહન ચાલકોને શિખામણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. RTO દ્વારા રોડ સેફ્ટી માટે યમરાજ ધરતી પર લવાયા હતા. નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત RTO નો અનોખો નુસખો જોવા મળ્યો હતો. જેમાં યમરાજ વેશ ધારણ કરી વાહન ચાલકોને સમજ અપાઈ રહી હતી. નકલી યમરાજ બનેલા વ્યક્તિ હાલ તો સમજાવે છે પરંતુ જો અસલી યમરાજ આવશે તો સમજાવશે નહીં, સીધા લઈ જશે. હેલ્મેટ નહીં પહેર્યું તો યમરાજ લઈ જઈ શકે છે. આમ RTO કર્મીઓ અને યમરાજ દ્વારા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા અને ગુલાબ અને ચોકલેટ આપી યમરાજ અને RTO કર્મીઓએ વાહન ચલકોને સમજાવ્યા હતા. લોકો કેટલું સમજ્યા તેની જાણકારી આગામી સમયમાં તો સામે આવશે જ પરંતુ કોઈપણ સારા ફેરફારની શરૂઆત હંમેશા આપણાથી થતી હોય છે. તો ચાલો ટ્રાફિક નિયમોને અનુસરીએ અને પોતાના તથા અન્યોના જીવનને સુરક્ષિત બનાવવાનું પગલું માંડીએ.