અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઘટના સ્થળ પર હાજર રહેલા લોકોને ધમકી આપનાર આરોપી પ્રજ્ઞેશ પટેલને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.
આરોપીના વકીલની દલીલોઃ પ્રગ્નેશ પટેલ ના એડવોકેટ નિસાર વૈદ્ય તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રજ્ઞેશ પટેલને મોઢાનું કેન્સર છે. તેમની ટ્રીટમેન્ટ પણ ચાલુ રહી છે. જો પ્રજ્ઞેશ પટેલની સારવારમાં વિઘ્ન આવશે તો તેમનું કેન્સર બીજા સ્ટેજ ઉપર પહોંચી જશે. તેથી તેમને સારવાર તેમની થાય એ જરૂરી છે. વર્ષ 2019થી તેમની કેન્સર માટેની સારવાર ચાલી રહી છે. નિસાર વૈદ્યએ કોર્ટ સમક્ષ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કર્યા હતા. આ 23 ઓગસ્ટે તેમની સારવારની અપોઈન્ટમેન્ટ છે. માટે તેમને શરતો સાથે વચગાળાની જામીન આપવામાં આવે. પ્રગ્નેશ પટેલને મોઢાના કયા ભાગમાં કેન્સર છે તે ભાગનો સ્કેચ પણ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. અગાઉ જ્યારે પણ અન્ય કેસોમાં પ્રજ્ઞેશ પટેલ જેલમાં ગયા છે ત્યારે તેમણે પેરોલ મળતા સારવાર કરાવી જ છે. પ્રજ્ઞેશ પટેલની સારવાર તો 2019થી ચાલુ છે. ઓનકોલોજિસ્ટ પાસે પ્રજ્ઞેશ પટેલની સારવાર કરાવવામાં આવી રહી છે અને આ માટે પૈસા પણ ભરવામાં આવ્યા છે .
વર્ષ 2019થી તેમની કેન્સર માટેની સારવાર ચાલી રહી છે. આ 23 ઓગસ્ટે તેમની સારવારની અપોઈન્ટમેન્ટ છે. માટે તેમને શરતો સાથે વચગાળાની જામીન આપવામાં આવે...નિસાર વૈદ્ય(આરોપીના વકીલ)
સરકારી વકીલની દલીલઃ સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ દલીલ કરી કે ,આરોપીએ 4 નવેમ્બર 2019 પછી કોઈપણ પ્રકારની સારવાર લીધી જ નથી જે પેપર્સ રજૂ કરવામાં આવ્યા છે તે માત્ર 2019 સુધીની જ રસીદો છે. તેમણે સારવાર કરાવી કે નહીં તે પણ જાહેર થતું નથી. પહેલી રેગ્યુલર જામીન અરજીમાં કે બનાવ બન્યો ત્યારથી પણ આજ સુધી ક્યાંય પણ કેન્સરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અગાઉ પણ મળ્યા છે વચગાળાના જામીનઃ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટ અને સેશન્સ કોર્ટમાં અન્ય કેસમાં રાહત આપેલી છે. આ કોઈ નાની મોટી બીમારી નથી પરંતુ કેન્સર છે આમાં વારંવાર ડોક્ટર બદલી શકાય નહીં .બીમારીની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને સારવાર માટે વચગાળાના જામીન આપે.
19 ઓગસ્ટે ચુકાદોઃ માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ કેસની સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. કોર્ટ હવે 19 ઓગસ્ટના રોજ પ્રજ્ઞેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાની જામીન ઉપર ચુકાદો આપશે. આ કેસમાં પ્રગ્નેશ પટેલને રાહત મળશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે.