આવો આપણે જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું છે આ ડ્રીમ પ્રોજેક્ટઃ
- ગુજરાતના 1,600 કિમી દરિયા કિનારા પર આવેલા ખંભાતના અખાત સાથે જોડાયેલા બે ઔદ્યોગિક શહેર (1) સૌરાષ્ટ્રનું ભાવનગર અને (2) દક્ષિણ ગુજરાતમાં દહેજને જોડતો પ્રોજેક્ટ છે.
- દહેજ ઘોઘા રો-રો ફેરીને કારણે રોડ દ્વારા 360 કિલોમીટરનું અંતર આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાય છે
- લોકોનો સમય અને બળતણ બચશે, તેમજ પ્રદૂષણ પણ ઘટશે
- દહેજ ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25 જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો
- રો રો ફેરી સર્વિસના ફેઝ-1માં માત્ર મુસાફરોને લઈ જઈ શકાય તેવી યોજના હતી
- ફેઝ-2માં ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જવાની મૂળ યોજના હતી
- આ પ્રોજેક્ટમાં શરૂઆતી રોકાણ અંદાજે 296 કરોડ રૂપિયા હતું, જે પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 600 કરોડથી વધુ થઈ ચુક્યો છે
- યુ. કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓકટોબર, 2017ના રોજ ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અનેક પડકારો બાદ શરૂ કરાયેલો ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ તરીકે કામ કરશે. હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો, ત્યારે અમે જૂની નીતિઓ બદલી હતી અને ઘોઘા દહેજ રો-રો ફેરી સેવા માટે ટર્મિનલ બાંધવાનું કામ ખાનગી લોકોને માથે નાખવાને બદલે પોતે જ બાંધવાનું એટલે કે ગુજરાત સરકારે નક્કી કર્યું હતું. રો-રો ફેરી સર્વિસની વાતો હું મારાં સ્કૂલના દિવસોથી સાંભળતો હતો, ઘણી સરકારો બદલાઈ ગઈ, પણ સેવા શરૂ કરાઈ નહોતી. અંતે હવે આ ઘોઘા દહેજ ફેરી સેવા શરૂ થવાથી લોકોનો ઘણો સમય બચશે, દેશનું ઘણું ઈંધણ બચશે. ઘોઘા અને દહેજ વચ્ચેની આ વર્લ્ડ ક્લાસ ફેરી સર્વિસ શરૂ થવાથી રોડ પ્રવાસ દ્વારા જે 360 કિ.મી.નું અંતર છે, તે હવે દરિયા માર્ગે માત્ર 31 કિ.મી. જેટલું થઈ જશે.
દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના દરિયાઈ માર્ગને જોડનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ 10 મહિના સુધી આ સેવા વ્યવસ્થિત ચાલી અને ત્યાર બાદ અનેક અડચણો આવ્યા હતા અને દોઢ વર્ષમાં આ રો-રો ફેરીની સર્વિસ બીજીવાર ઠપ થઈ હતી.
દહેજ કિનારાના દરિયામાં પાણીની ઉંડાઈના અભાવે કાદવયુક્ત પાણી આવી જતાં ફેરીને અવરોધ ઉભો થયો હતો જેને લઇને જહાજને કિનારા સુધી લાવવું મુશ્કેલ બની ગયું હતું. આગળ જતા આ દરેક અવરોધ સતત ચાલતા આવ્યા છે, જેથી કંપનીએ આખરે આ જહાજને વેચવા મૂક્યું છે. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ડ્રેજીંગની કામગીરી વ્યવસ્થિત નહીં કરાતાં રો રો ફેરી સર્વિસ વારંવાર બંધ કરવામાં આવી હતી. જેના કારણે સંચાલક કંપનીને દર મહિને રૂપિયા 18 લાખની ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો.
દહેજ ધોધા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટને શરુ કરાવતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને સૌથી મોટા પ્રોજેકટ તરીકે ગણાવ્યો હતો. ત્યારબાદ આ શિપમાં તેમણે ઘોઘાથી દહેજ સુધીની મુસાફરી કરી હતી, પરંતુ એક વખત ઉદઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને માથે અનેક મુશ્કેલીઓ આવી છે. આમ રાજ્ય સરકાર માટે આ મહત્ત્વનો પ્રોજેક્ટ હોવા છતાં આ સેવા બંધ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવેલી અવગણના જ્યારે બીજી તરફ દરિયાની પ્રતિકુળ પરિસ્થિતિને કારણે રો-રો ફેરી સર્વિસની હાલત કફોડી બની ગઈ છે.
અત્યાર સુધીમાં આ પ્રોજેકટ પાછળ અધધધ... 600 કરોડથી વધુ રકમ ખચૉઈ ચુકી છે. હાલ કોન્ટ્રાક્ટ સંભાળતી ઈન્ડીગો કંપની કે સરકાર એકપણ રૂપિયાનો નફો રળી શકયા નથી. પરંતુ કંપનીએ ખોટ સહન કરીને પણ સેવા શરૂ રાખી રહી છે, ત્યારે સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ તંત્ર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવતો ન હોવાથી સેવા વારંવાર ખોરવાઈ રહી છે. જો આજ પ્રકારે લાંબો સમય ચાલશે તો વડાપ્રધાન મોદીનું મોંઘેરું સ્વપ્ન રોળાઈ જશે. એટલું જ નહીં ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતના લોકો આવી સસ્તી અને ઝડપી રો રો ફેરી સર્વિસથી વંચિત થઈ જશે.
અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સાવ બંધ થવાની અણી પર આવી ગયો છે. કોરોના વાયરસનું ગ્રહણ ધોધા દહેજ ફેરી સર્વિસને ભરખી જશે. લૉક ડાઉન જેવી વિકટ સ્થિતિ અને ઉપરથી રો-રો ફેરી શીપ હાલ બંધ છે. 22 માર્ચ, 2020થી આ શીપ અપૂરતા ડ્રેજીંગના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. અને સાથે લૉક ડાઉનનું કારણ પણ કારણભૂત રહ્યું છે.
લૉક ડાઉનના સમયમાં હવે કંપની દ્વારા આ માસથી તમામ કર્મચારીઓને અડધા પગાર આપવાનું નક્કી કર્યું છે. અને 33 કર્મચારીઓ પૈકી 29 કર્મચારીઓને અડધો પગાર આપી હાલ મુક્ત કરી દેવામાં આવ્યાં છે. જ્યારે 4 કર્મચારીઓ સાથે હાલ કામ ચલાવવામાં આવી રહ્યું છે. એટલે કે હવે કોરોનાના કપરા કાળમાં ધોધા દહેજ ફેરી સર્વિસ ફરીથી શરૂ થશે કે નહી તેના પર મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધો હસ્તક્ષેપ કરીને બજેટ ફાળવે તો જ આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થઈ શકે તેમ છે.
- ભરત પંચાલ, બ્યુરો ચીફ, અમદાવાદ