અમદાવાદ : શહેરના ઇસ્કોન બ્રિજ ઉપર હિટ એન્ડ રનમાં મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી. બેફામ રીતે વૈભવી ગાડી ચલાવીને 9 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલનાર તથ્ય પટેલ સામેની ટ્રાફિક પોલીસની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. આ કેસમાં ગુરુવારે પોલીસ દ્વારા કોર્ટમાં 5,000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. આ કેસમાં ટ્રાફિક પોલીસે ગાડીના અને અન્ય રિપોર્ટ આવ્યા બાદ IPC કલમ 308 નો પણ ઉમેરો કર્યો છે. વધુમાં તથ્ય પટેલના DNA અને ઘટનાસ્થળ પરથી મળેલા લોહીના રિપોર્ટ પણ આવી ગયા છે. તે પુરાવા પણ ચાર્જશીટ સાથે કોર્ટમાં ફાઇલ કરવામાં આવશે.
તંત્રની ત્વરિત કાર્યવાહી : ગત અઠવાડિયે બુધવારે રાતના સમયે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કર્ણાવતી ક્લબથી ઇસ્કોન તરફ જતા ઇસ્કોન બ્રિજ ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે 140 થી પણ વધુની સ્પીડે જેગુઆર કાર હંકારીને તથ્ય પટેલે 9 લોકોને કચડીને મારી નાખ્યા હતા. જે કેસમાં રાજ્ય સરકારે યોગ્ય અને ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ કેસની ગંભીરતાને જોઈને સાત દિવસમાં ચાર્જશીટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક મહિનામાં કેસની સુનવણી પૂર્ણ કરવાનો આશ્વાસન આપ્યું હતું. જેથી પોલીસે સાત દિવસ પૂર્ણ થતા જ આ કેસની તમામ પ્રક્રિયાઓ વાયુ વેગે પૂર્ણ કરી છે.
આ કેસમાં પોલીસ ચાર્જશીટ આવતી કાલે કોર્ટમાં રજૂ કરશે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે. આ કેસમાં 200 થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. DNA રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા સાથે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે.-- એન.એન. ચૌધરી (JCP, ટ્રાફિક અમદાવાદ)
વિગતવાર તપાસ : ટ્રાફિક પોલીસે આ કેસની તપાસમાં ખાસ ટીમની રચના કરીને અલગ-અલગ 8 થી 10 જેટલા રિપોર્ટ એકઠા કર્યા છે. જેમાં FSL રિપોર્ટ, RTO રિપોર્ટ , જેગુઆર કંપનીનો રિપોર્ટ, DNA રિપોર્ટ સામેલ છે. આ ઉપરાંત પોલીસે આ કેસ સાથે સંકળાયેલા 30 અને અન્ય મળીને 200 જેટલા લોકોના નિવેદન લીધા હતા. કારમાં તથ્ય પટેલ સાથે સવાર તેના મિત્રો સહિત ઘટનાસ્થળ પર હાજર 17 લોકોને સાક્ષી બનાવી નિવેદન લીધા હતા.
આરોપીના રિમાન્ડ : આ ઘટના બાદ તથ્ય પટેલ તેના પિતા પ્રજ્ઞેશ પટેલની મદદથી ભાગી ગયો હતો. આ મામલે SG 2 ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પ્રજ્ઞેશ પટેલને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જ્યારે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલે પોતાના ગુનાની કબૂલાત પણ કરી હતી.
ચાર્જશીટ રજૂ થશે : આ કેસમાં સાત દિવસ પૂર્ણ થતા જ ટ્રાફિક પોલીસે તમામ પુરાવાઓ અને દસ્તાવેજોની કામગીરી પૂર્ણ કરી છે. હવે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. તથ્ય પટેલને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે કોઈપણ પ્રકારની કચાશ રાખી નથી. તમામ પાસા ઉપર તમામ પુરાવા મેળવી તેના આધારે ચાર્ટશીટ તૈયાર કરી છે.