અમદાવાદ: જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, સાણંદમાં કેસના વધુ પ્રમાણને ધ્યાને લઈને અત્યારે ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજથી ત્રણ દિવસ દરમિયાન ડોર ટુ ડોર સર્વે અને ટેસ્ટીંગ હાથ ધરાઈ છે. સાણંદમાં અંદાજે 250 ટીમ સક્રિય બનાવી ત્રણ દિવસ દરમિયાન 2.59 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ઉપરાંત, લેબ ટેક્નિશીયન્સની પણ 20 ટીમ બનાવાઈ છે અને પ્રત્યેક ટીમને 50 એન્ટીજન કીટ અપાઈ છે. એન્ટીજન ટેસ્ટ દ્વારા રીપોર્ટ મળતા કોરોનાના લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓને સોલા સિવીલ હોસ્પિટલમાં, સામાન્ય લક્ષણો જણાતા હોય તેમને સાણંદના કોવિડ કેર સેન્ટરમાં અને લક્ષણો ન જણાતા તેવા દર્દીઓને ઘરે આઈસોલેશનમાં રખાશે. સૌથી અગત્યની વાત એ છે કે, આ પ્રક્રિયા માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટાયેલી પાંખના સભ્યો, વેપારી મંડળો, સોસાયટીના સેક્રેટરીઓ તથા એ.પી.એમ.સી.નો સંપર્ક પહેલેથી કરી મહત્તમ લોકોને આવરી લેવાનું આયોજન કરાયું છે. તેમ જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું.