અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા વકીલોને લઈને વધુ એક સુવિધા ઉમેરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના પૂર્વ એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ દ્વારા હાઇબ્રિડિંગનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત એડવોકેટ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હિયરિંગમાં માટે ઉપસ્થિત રહી શકે તેવો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે શરૂઆતના સમયમાં દર ગુરુવારના રોજ આ હાઇબ્રિડિંગ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સુવિધામાં વધારો : ગુજરાત હાઇકોર્ટ દ્વારા હવે આ હાઇબ્રીડ મોડ પર કેસ ચલાવવાની પરવાનગી તમામ ચાલુ દિવસો માટે આપવામાં આવી છે. જોકે આ સુવિધા અત્યાર સુધી માત્ર ચીફ જસ્ટિસ અગ્રવાલ અને બીરેન વૈષ્ણવની કોર્ટ પૂરતી જ સીમિત હતી. પરંતુ હવે જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને એસ.એસ. સુપેહિયાની કોર્ટમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે, આગામી સમયમાં અન્ય જસ્ટિસની કોર્ટમાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવે તેવી તમામ શક્યતા છે.
શું છે હાઈબ્રિડ હીયરિંગ : ગુજરાત હાઇકોર્ટના પૂર્વ એક્ટિંગ ચીફ જસ્ટિસ અને હાઇકોર્ટના અન્ય જજોની કમિટીએ હાઈબ્રિડિંગ પ્રોજેક્ટના અમલીકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત એડવોકેટ ફિઝિકલ અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી માટે ઉપસ્થિત રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ હતી. જેમાં જે પણ દૂરના વકીલ હોય તેમને ઘણો ફાયદો થયો હતો. આમ કામગીરીને સરળ કરવા માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
હિયરિંગનું લાઈવ સ્ટ્રીમિંગ : જે પણ એડવોકેટ્સને હાઈબ્રીડ હિયરીગનો ઉપયોગ કરવો હોય તેમણે ઝૂમ એપ્લિકેશન દ્વારા હાઇકોર્ટનાં હિયરિંગમાં ઉપસ્થિત રહેવાનું હોય છે. તેના માટે ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને તે માટેની પ્રોસેસ કરવાની હોય છે. ઉલ્લેખનિય છે કે, આ વિડીયો કોન્ફરન્સથી હિયરિંગનું લાઈવ સ્ટ્રીમિંગ પણ યુ ટ્યુબ પર કરવામાં આવે છે. કોરોના કાળ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવિધ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.