અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિવિધ ક્ષેત્રના વિકાસ અર્થે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કરવાના વિઝન સાથે દેશભરના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને ગુજરાતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ હોમ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્ય સરકારની પહેલ : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ કોમ ઈન્ડસ્ટ્રી કોન્ફેડરેશનની ભાગીદારીમાં આયોજીત આ કોન્કલેવમાં નેક્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોરશિપની સુવિધા માટે ગુજરાત સરકાર સાથે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ ઈન્ડિયા, i-Hub નો સહયોગ પણ રહ્યો હતો.
60 જેટલા સ્ટાર્ટઅપ : 60 થી વધુ ટોચના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સ કોન્કલેવમાં રજીસ્ટર થયા હતા. જેમાં આઠ સ્ટાર્ટઅપ્સને પિચબુક ગ્રાન્ડ ફિનાલે માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. વિજેતાઓની પસંદગી અનુભવી નિર્ણાયકોની પેનલ દ્વારા કરવામાં આવી હતી અને પુરસ્કારના ભાગ રૂપે રૂ. 25 લાખનું રોકડ ઇનામ પૂલ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઉદ્યોગના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવવાની તક પણ આપવામાં આવી હતી.
ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ : ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ સ્પોર્ટ્સ અને બિઝનેસના ન્યુક્લિયસ તરીકે સેવા આપે છે. જે ભારતના રમતગમતના વિકાસ માટે ગુજરાત સરકારના વિઝનને અનુરૂપ છે. રાષ્ટ્રવ્યાપી સ્પોર્ટ્સ બિઝનેસ લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને સ્વીકારતી કોન્ક્લેવ માત્ર સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ભારતની સંભવિતતા દર્શાવાની સાથે વાઈબ્રન્ટ ગુજરાત-ઇન્ડિયા માર્કી ઈન્ટરનેશનલ ઇન્વેસ્ટર સમિટ સુધીના સ્ટાર્ટઅપ ઈકોનોમીને પ્રોત્સાહન આપે છે.
દેશભરમાંથી મહેમાનોની ઉપસ્થિતિ : દેશના પ્રથમ સ્પોર્ટ સ્ટાર્ટઅપ થકી મેન્ટેરસીપ, ફંડિંગ અને સહયોગનો અવસર પ્રદાન કરીને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સ્પોર્ટ્સ બિઝનેસ હેડ્સ, દેશની વિવિધ સ્પોર્ટિંગ લીગના હોદ્દેદારો, સ્પોર્ટ્સ અને ટેક રોકાણકારો તેમજ દેશભરના ઉભરતા સ્ટાર્ટઅપ ઈનોવેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુ. હબ બનશે : આ તકે ઉપસ્થિત મહેમાનોને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કર્યું છે. સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સનું સ્વાગત કરવું એ આપણું સૌભાગ્ય છે કારણ કે, તેઓ તેમના વિચારો અને નવીનતાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. અમે ગુજરાતને સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં વિવિધ નીતિ પર કામ કરી રહ્યા છીએ. અમારી સ્પોર્ટ્સ પોલિસીમાં સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગને પણ પ્રાથમિકતા આપી છે અને તમારા પ્રતિસાદના આધારે નીતિમાં ફેરફાર રજૂ કરીશું.
દેશભરના ઈન્વેસ્ટર્સને આમંત્રણ : ગુજરાતને પોતાનું મેન્યુફેક્ચરિંગ હોમ બનાવવાનો આગ્રહ કરતા ઊભરતાં સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે અમે સ્ટાર્ટઅપ્સને સારું પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે અને આગલા સ્તર પર લઈ જવા માંગીએ છીએ. તમે જે પણ રાજ્યમાં રહેતા હોવ અમે તમને તમારો મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવા ગુજરાતને પસંદ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. અમે તમને જરૂરી સમર્થન આપવા તૈયાર છીએ. અમે માત્ર પોલિસી સપોર્ટ જ નથી આપી રહ્યા પરંતુ એક પરિવાર તરીકે તમારી સાથે જોડાવા માંગીએ છીએ.
સ્પોર્ટ્સ પોલિસીમાં સુધારા : ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વનીકુમારે કહ્યું કે, એપ્રિલમાં મણિપુરમાં રમતગમત મંત્રીઓની પરિષદ દરમિયાન ભારત સરકાર દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. અમે પાછા ફર્યા પછી આ વિચારને મુખ્યપ્રધાન સમક્ષ રજૂ કર્યો અને છ મહિનાના સમર્પિત પ્રયત્નોના પરિણામે આ કોન્ક્લેવનું આયોજન સફળ થયું છે. આ કોન્કલેવમાં સ્પોર્ટ્સ ડેટા એનાલિટિક્સ, ટેકનોલોજી, સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિયરેબલ ટેકનોલોજી, પર્ફોર્મન્સ પ્લેટફોર્મ્સ અને અન્ય ઘણી કંપનીઓમાં ફેલાયેલા સ્ટાર્ટઅપ્સની ગેલેક્સી આકર્ષાઈ હતી. આ વૈવિધ્યસભર સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગના અગ્રણીઓની સાથે સક્રિયપણે ભાગ લેવાની અને તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવાની તક મળી છે.