અરજદાર વતી હાઇકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે ત્યાં સુધી પાથરાવાળાને નહેરુનગરમાં જ ધંધો કરવા દેવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર એકટ 2014ના નિયમ 2(e) મુજબ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
પિટિશનમાં અરજદારનો આક્ષેપ છે કે, ગત વર્ષે ઝાંસી કી રાણી પાસે ફાળવવામાં આવેલા લોટની આસપાસના રહીશો દ્વારા અમારી વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા અમને ત્યાં વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી નથી. હાલ ઝાંસી કી રાણી પાસે જે જગ્યા ફાળવવામાં આવી છે જો ત્યાંથી પથારાવાળાઓને અન્ય સ્થળે ખસેડવામાં આવે તો કામ-ચલાઉ દુકાન અને અન્ય ખર્ચ માથે પડી શકે તેમ છે.
એટલું જ નહીં અગાઉ હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે પ્રમાણે આર્થર પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા પથારાવાળાનો સર્વે કરાવવાનો હતો. જોકે, આજ દિવસ સુધી આ મુદ્દે સર્ટીફીકેટ આપવામાં આવ્યા નથી ..
હાઇકોર્ટના સિંગલ જજના ઓર્ડર બાદ કોર્પોરેશન દ્વારા પથારા વાળાઓને ઝાંસી કી રાણી પાસે આવેલી ખુલ્લી જગ્યા ફાળવી દેવામાં આવી હતી. અગાઉ કોર્પોરેશન દ્વારા નહેરુનગર પાસે પથારી લગાવતા લોકોને ગુજરી બજાર પાસે જગ્યા ફાળવવામાં આવી હતી જોકે ત્યાં વેપાર ન થઈ શકતી હોવાની હાઇકોર્ટમાં રજુઆત કરાતા તેમને ઝાંસી કી રાણી પાસે જગ્યા ફાળવી દેવામાં આવી હતી.
અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે, અગાઉ પણ પથારાવાળાઓ સાથે વાતચીત કર્યા વગર કેટલાક એનજીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં મૂળ પથારાવાળાઓને સામેલ ન કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.