અમદાવાદઃ ભુજની સહજાનંદ કોલેજમાં માસિક ધર્મ બાબતે 68 જેટલી મહિલાઓ સાથે ગેરવર્તન કરવાના કેસમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 4 લોકો સામે દાખલ કરેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં કોલેજની પ્રિન્સિપાલ રીટા રૈયાનગર અને ફરિયાદી વચ્ચે સમાધાન થઇ જતાં હાઈકોર્ટે પોલીસ ફરિયાદ રદ કરી છે. બંને પક્ષ દ્વારા સમાધાન અંગેના સોગંદનામા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે CRPCની કલમ 482નો ઉપયોગ કરી પોલીસ ફરિયાદ રદ કરી છે.
આ મુદ્દે સહજાનંદ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તેમને કોલેજમાંથી હાકી કાઢવાની શરતે દબાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મીડિયામાં વહેતી થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ અંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિને પણ પગલા લેવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
સહજાનંદ કોલેજમાં બી.એ બી.કોમ સહિતના કોર્સ ભણાવવામાં આવે છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જો કે, કોરોનાને લીધે તેના પર કોઈપણ પ્રકારની સુનાવણી હાથ ધરવામાં આવી નહીં.