સામાન્ય રીતે ન્યાયની અપેક્ષાએ જનતા વકીલો કે કોર્ટ સમક્ષ પહોંચે છે. પરંતુ, આ કેસમાં મેટ્રો કોર્ટના વકીલો અને મેટ્રો કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ, સેક્રેટરી વિરૂદ્ધ ફરિયાદ થતાં તેને રદ કરાવવા તેમણે હાઇકોર્ટમાં ધા કરી છે. આ સમગ્ર મામલે ફરિયાદી વકીલ રણછોડ પરમારે મેટ્રો કોર્ટના બારના પ્રમુખ હરિશ ભવાનીલાલ, ઉપપ્રમુખ હેમંત નવલખા અને સેક્રેટરી ભરત શાહ સહિત કોર્ટમાં વકીલાત કરતા અરવિંદ ગુપ્તા, અમિતસિંહ પરમાર, બલવંતસિંહ યાદવ, હર્ષદકુમાર મધુ, રવીન્દ્ર ગુપ્તા અને સુમન તિવારી વિરૂદ્ધ એટ્રોસિટી અને અન્ય ગુનાઓની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદની હકીકતમાં એવું જણાવ્યું છે કે,‘મેટ્રો કોર્ટમાં મારી જગ્યા પરથી મારું ટેબલ હટાવીને તેની અડોઅડ અરવિંદ ગુપ્તાનું ટેબલ લગાવી દેવાયું હતું. જેને હટાવવાનું કહેતાં મને ધમકાવી દીધો હતો અને ટેબલ અહીં જ રહેશે એવી દાદાગીરી કરી હતી. એટલું જ નહીં છરી મારી દેવાની ધમકી પણ આપી હતી. હું ધમકીથી ગભરાઇ ગયો હતો અને બાર એસો.ના પ્રમુખને રજૂઆત કરી હતી. તેઓએ મને બારમાં અરજી કરવાનું કહેતા મેં અરજી કરી હતી. જેથી અરવિંદ ગુપ્તાનું ટેબલ હટાવવાનો ઠરાવ થયો હતો. પરંતુ, ફરીથી તેઓએ ટેબલ મુકી દીધું હતું, ત્યારબાદ મને બિભત્સ ગાળો પણ આપી હતી અને પછીથી મને અનેકવાર હેરાન કરવામાં આવ્યો હતો.’
આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત સાથે કથિત આરોપીઓએ તેને રદ કરવાની દાદ માગતી રિટ હાઇકોર્ટમા કરી છે. જેમાં તેમની સામે કોઇ સખત પગલાં નહીં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.