હાઈકોર્ટે ચૂડાસમાને જુબાની આપવા અંગેની અરજીનો સ્વીકાર કરતાં, કોર્ટે જણાવ્યું હતું કે, અગાઉ રજૂ કરવામાં આવેલાં સાક્ષીઓના લિસ્ટમાં ચુડાસમાનું નામ નથી. પરંતુ આ કારણને લઈ તેમની પાસેથી સ્વ-બચાવની તક છીનવી શકાય નહીં. દરેક પ્રતિવાદીને પોતાનો વલણ સપષ્ટ કરવા બાબતે સમાન તક મળવી જોઈએ.
આ મુદ્દે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલે દલીલ કરી હતી કે, " ચૂંટણી અધિકારી ધવલ જાનીની ઉલટ તપાસ બાદ ચૂડાસમા કોર્ટ સમક્ષ જુબાની આપી પુરાવવા રજૂ કરવા માંગે છે. માટે સાક્ષીઓની યાદીમાં તેમનું પણ સમાવવામાં આવે." કોર્ટ વકીલને આ દલીલને માન્ય રાખી હતી.
કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડના વકીલે રજૂઆત કરી હતી કે, "ગત જાન્યુઆરી મહિનામાં સાક્ષીઓનું લિસ્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂડાસમાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે પાછળના તબક્કે નામ ઉમેરવા દેવા જોઈએ નહિ. ચૂડાસમા જુબાનીનું કારણ આગળ રાખી કેસની ટ્રાયલ પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે."
ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સાક્ષી તરીકે જુબાની આપવા માટેના લિસ્ટમાં નામ જોડાવવા અંગે તેના વકીલને અલગ અરજી દાખલ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ ચૂડાસમાએ સુપ્રિમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસની યોગ્ય તપાસ ન થતી હોવાની દાખલ કરાયેલી અરજી પર નારાજગી વ્યકત કરી હતી.
વર્ષ 2017 ધોળકા વિધાનસભા બેઠકથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતથી જીત્યા હતા. જેને પડકારતી રિટ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઈકોર્ટમાં કરી હતી. જેમાં અશ્વિન રાઠોડે ચૂડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો કર્યા હતાં.