સામાન્ય રીતે લોકો પોલીસથી બચવા માટે જ હેલ્મેટ પહેરે છે. પરંતુ, અકસ્માતના બનાવે સાબિત કર્યું છે કે, હેલ્મેટ પોલીસથી બચવા નહીં પરંતુ, પોતાની સલામતી માટે પહેરવું જોઈએ. શહેરના ઘોડાસરના 132 ફુટ રિંગ રોડ પર સેવન્થ ડે સ્કૂલ પાસે એક કાર ચાલકે એક્ટિવા ચાલક અને સાયકલ ચાલકને અડફેટે લીધા હતાં. કાર ચાલકે રાતના ઉજાગરાને કારણે ઝોકું ખાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતી 10 ફુટ દૂર પટકાઈ હતી. જેમાં યુવતીને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે સાયકલ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો.આ અકસ્માતમાં યુવતીએ હેલ્મેટ પહેર્યું હતું. જેથી માથાના ભાગે કોઈ ઇજા પહોંચી ન હતી અને યુવતીનો આબાદ બચાવ થયો હતો. યુવતીના અકસ્માતનો દાખલો લોકો માટે પ્રેરણાદાયક છે કે હેલ્મેટ પહેરવાને કારણે યુવતીનો જીવ બચ્યો છે. જેથી લોકોએ પોલીસથી બચવા નહીં પરંતુ, પોતાની સલામતી અને નૈતિક જવાબદારી સમજીને હેલ્મેટ પહેરવું જોઈએ.