ભાવનગર: રાજ્યમાં કેસર કેરીનું વાવેતર ન માત્ર ગીર અને કચ્છ પંથક પરંતુ ભાવનગર જિલ્લામાં પણ થાય છે. સોસિયા અને જેસરની કેરી ખૂબ પ્રખ્યાત પણ છે. ત્યારે આંબા પર મોર (ફ્લાવરીંગ) ના સમયે માવઠા જેવું વાતાવરણ નુક્શાકર્તા બને છે. ત્યારે બાગાયત અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં માવઠું થાય તો શું કરવું તેને લઈને ખેડૂતોને બચાવયુક્તિ જણાવી હતી.
બે દિવસ રહેલા કમોસમી વરસાદી વાતાવરણને પગલે જિલ્લામાં બાગાયત પાકોની માથે નુકશાન તોળાતું હતું. ભાવનગર જિલ્લામાં આંબાનું મોટું વાવેતર છે. સોસિયા જેસર વિસ્તારમાં આંબામાં મોર એટલે ફ્લાવરીંગની શરૂઆત થાય છે. ત્યારે માવઠાની અસરથી બચવા બાગાયત અધિકારીએ ખેડૂતોને ખાસ માર્ગદર્શન અને સતર્કતા રાખવાનું સૂચન કર્યુ છે.
બાગાયત પાકો અને માવઠાની અસર ક્યાં નહિવત
ભાવનગરના બાગાયત અધિકારી એમ.બી.વાઘમસીએ જણાવ્યું હતું કે, હાલમાં જોઈએ તો માવઠાની અસર બીજા બધા પાકોમાં ખાસ કરીને લીંબુ, જમરૂખ, સીતાફળ એ બધા મોસ્ટલી અત્યારે રેસ્ટીંગ સ્ટેજમાં હોય છે એટલે એમાં કોઈ અસર થતી નથી. પરંતુ આંબાનું ફ્લાવરિંગની સિઝન હાલમાં શરૂ થવાની હોય તો ફ્લાવરીંગ આવી જાય તો આપણે એમને કાળજી લેવાની થાય છે.
ક્યાં વિસ્તારમાં આંબાનું વાવેતર ?
એમ.બી.વાઘમસીએ વધુમાં જણાવ્યું હતુ કે, આપણે બે પોકેટ છે, આંબાના એક સોસિયો વિસ્તાર છે અને એક જેસર બેલ્ટ છે. એમાં બંને વિસ્તારમાં આંબાનું વાવેતર હાલમાં છે, અને એમાં ફ્લાવરિંગની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. આ વાવેતર 2500 હેકટર જેવું છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટો સોસિયો વિસ્તાર છે ત્યાં છે અને જેસર પટ્ટો એટલે ખાસ કરીને મોરચુપણા, અયાવેજ ચોક, જેસર, સનાળા અને અમરેલીનો થોડો પાટ વિસ્તાર જેમાં આપણા આઠ-દસ ગામડાઓ એમાં પણ આંબાનું વાવેતર છે.
માવઠાને પગલે કેવી રાખવી કાળજી ?
બાગાયત અધિકારી એમ.બી.વાઘમસીએ આગળ જણાવ્યું હતું કે, હાલમાં ઘણા બધા બાગાયત પાકો ખેતરમાં હોય છે, તેમાં ખાસ કરીને થોડી સાવચેતી ખેડૂત રાખે તો તેઓ માવઠાની અસરને નિવારી શકે છે. ખાસ કરીને આંબામાં હાલ ફ્લાવરિંગની સિઝન આવવાની હોય. જો ફ્લાવરિંગ આવી જાય ત્યારબાદ જો માવઠા જેવું વાતાવરણ સર્જાય તો એમાં ફૂગનાશકનો સ્પ્રે કરીને ફાલવરિંગને સારી રીતે સાચવી શકાય છે, અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે એક અથવા બે સ્પ્રે ફૂગનાશક દવાનો મારી દે તો આ માવઠાની અસરથી બચી શકાય છે.