અમદાવાદ: વરસાદના ત્રીજા રાઉન્ડમાં ગુજરાત પર આફત બનીને વરસી રહેલા વરસાદે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી છે. હજુ પણ ગુજરાત માથે વરસાદનું તાંડવ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
પાંચ દિવસ વરસાદ યથાવત રહેવાની સંભાવના: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવી છે. હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
3 દિવસ ભારે રહેશે: હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે .3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર ઘટશે. સાથે જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. જ્યારે દરિયકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેશે. જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે.
વરસાદી માહોલ: દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી, સુરત ભરૂચ, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાને બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવનાઓ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે 3 દિવસ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થશે.
રેડ એલર્ટ જાહેર: હાલ ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની હેલી સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ રહેશે અને ત્યાર બાદ 2 દિવસ ક્રમશ: સામાન્ય અને ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ 5 દિવસ આકરા છે. આવનારા ત્રણ દિવસમાં ગુજરાત વાસીઓએ વરસાદી કહેર માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ વરસાદી સિસ્ટમ હળવી થવાથી વરસાદ ઓછો થતો જશે. હાલમાં ત્રીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જામતા આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.