અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરોથી રોજે રોજ કોઈ ઘાયલ થવાની ઘટના બને છે. આ સમસ્યા વકરતી જ જાય છે. આ સમસ્યા સંદર્ભે ગુજરાત હાઈ કોર્ટમાં રખડતા ઢોરો પર ગુજારવામાં આવતા ત્રાસ સંદર્ભે એક અરજી થઈ હતી. આ અરજી પર હાઈ કોર્ટે આજે સુનાવણી કરી છે અને રખડતાં ઢોરો પર ગુજારવામાં આવતા ત્રાસને વખોડી કાઢ્યો હતો.
નડિયાદમાં પશુ પર ક્રુરતાઃ ગુજરાત હાઈ કોર્ટમાં થયેલ અરજીમાં જણાવાયું છે કે નડિયાદમાં રખડતા ઢોરો પર ક્રુરતા આચરવામાં આવી છે. અરજકર્તાએ આ પશુઓના ફોટોઝ પણ હાઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. નડિયાદમાં રખડતું ઢોર કોર્ટમાં ઘુસ્યું હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ એક વ્યક્તિએ આ સમસ્યાનો ઉકેલ લાવવા ઓથોરિટીને અરજી પણ કરી હતી. જો કે કોઈ પગલાં લેવાયા નહતા. નડિયાદમાં પોલીસ દ્વારા રખડતાં પશુઓ પર ત્રાસ ગુજારવાની ઘટના ઘટી હોવાનું પણ અરજદારે જણાવ્યું છે. પશુઓને શારીરિક ઈજા પહોંચાડવામાં આવે છે.
પશુ પર ક્રુરતા ન ચલાવી લેવાયઃ આ સુનાવણીમાં ગુજરાત હાઈ કોર્ટે પશુ પર આચરવામાં આવતી ક્રુરતાને વખોડી કાઢી હતી. અરજદારે નડિયાદમાં પશુ પર થયેલ અત્યાચાર દર્શાવવા માટે નડિયાદની સમાચાર સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો. ઈજાગ્રસ્ત પશુઓના ફોટોઝ પણ હાઈ કોર્ટમાં રજૂ કરાયા હતા. ફોટોઝ અને અહેવાલ જોયા બાદ હાઈ કોર્ટે કહ્યું કે, માણસની ભલાઈ માટે પશુઓ પર ક્રુરતા આચરી શકાય નહીં. આ અહેવાલથી વ્યથિત થયેલ હાઈ કોર્ટે આ મુદ્દે ખેડા કલેક્ટરને સત્વરે પગલાં ભરી રિપોર્ટ હાઈ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આરોપીઓ સામે પ્રીવેન્શન ઓફ એનિમલ ક્રુઅલટી એક્ટ અંતર્ગત પગલાં લેવા કોર્ટે જણાવ્યું હતું
સરકાર અને AMCને આદેશઃ ઈજાગ્રસ્ત પશુઓના હાલ જોઈને હાઈ કોર્ટે ટાંક્યું હતું કે, "પ્રભુ આપણને માફ નહીં કરે". હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને AMCને આદેશ રાજ્યમાં રહેલા ઢોરવાડાની સ્થિતિ અંગે માહિતી રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં કેટલા ઢોરવાડા છે, તેની ક્ષમતા કેટલી છે, ઢોરોને ઢોરવાડામાં કેવી ટ્રીટમેન્ટ મળે છે, મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે નહીં તે તમામ વિગતોયુક્ત રિપોર્ટ હાઈ કોર્ટે રજૂ કરવા રાજ્ય સરકાર અને AMCને આદેશ કર્યો છે. દિવાળી બાદ AMCએ રખડતાં ઢોર મુદ્દે કરેલ કામગીરીની એફિડેવિટ ફાઈલ કરી હતી. આ એફિડેવિટમાં કમિશ્નરની જગ્યાએ AMC અધિકારીએ સોગંદનામુ કર્યુ હોવાથી હાઈ કોર્ટે આ એફિડેવિટ રેકોર્ડ પર લીધી નહતી.