કચ્છ: શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, એક વૈશ્વિક સંસ્થા છે. જે સતત સામાજિક કાર્ય કરનાર સંસ્થાઓ, જરૂરતમંદ લોકો, બાળકોનું શિક્ષણ તથા આપદા વ્યવસ્થાપન જેવા કાર્યોમાં સેવા આપતી રહી છે અને નિસ્વાર્થ પ્રયાસો કરીને નિરાધાર બાળકોને મદદ કરી રહી છે.
ફાઉન્ડેશન દ્વારા હાલમાં એક પહેલ "શિશુકુંજ ટુક ટુક સફરનામા" - એક યાત્રા રામેશ્વરમથી ભુજ સુધી યોજવામાં આવી હતી, જ્યાં શિશુકુંજના પરિજનો ખૂબ ઉત્સાહ સાથે 13 ડિસેમ્બરે કુલ 36 ટુક ટુક સાથે 108 યુવા ભાઈ-બહેનો વતન કચ્છમાં આવવા તેમની યાત્રા શરૂ કરી હતી. કુલ 3000 કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા ભુજ ખાતે આવી પહોંચી હતી.
50 વર્ષથી બાળકોની ચેરિટી માટે કામ કરે છે: શિશુકુંજ એ બાળકોની ચેરિટી માટે કામ કરે છે. જે લંડનમાં 50 વર્ષથી કામ કરી રહી છે. જેના દ્વારા ભારતીય સંસ્કૃતિના માધ્યમ દ્વારા બાળકોમાં નૈતિકતા અને મૂલ્યો કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને તેઓ આવતીકાલના સમાજના જવાબદાર અને આદરણીય આગેવાનો બની શકે. જેણે અત્યાર સુધીમાં 5000 થી પણ વધારે વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે.
બાળકનું સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ: શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ, સેડાતા ગામમાં આવેલી CBSE બોર્ડ સ્કૂલ છે, જે સિંચન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત અને શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે. શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ એ એક ‘વિશિષ્ટ અભિગમ ધરાવતી શાળા’ છે. જ્યાં શિક્ષણનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે જે આજના સમયમાં શિક્ષણ મૂળ હેતુથી દૂર થઈ ગયું છે.
ઉપરાંત, જે માત્ર ને માત્ર એક વ્યક્તિને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવે છે. પણ સમાજ માટેની ભાવનાઓનું સિંચન કરવાથી દૂર કરે છે. એ જ મૂલ્યોની શોધમાં શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલનું શૈક્ષણિક કાર્યક્રમમાં વિદ્યાર્થીને અનુભવશીલ અને કાર્યશીલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેની સાથે સમાજના ઘણા મુદ્દાઓ પર પ્રશ્નો કરીને વિધાર્થીઓના કાર્યો અને વિચારોમાં સમાજમાં એકતા, પ્રેમનો ભાવ અને હંમેશા મદદ કરવા માટે તત્પર હોવાની લાગણીનું સિંચન કરવામાં આવ્યું છે. જેથી બાળકનું સર્વાંગી વિકાસ થાય અને તે ભવિષ્યમાં જવાબદાર નાગરિક બને.
36 રિક્ષાઓ સાથે ટુક ટુક યાત્રા યોજાઈ: શિશુકુંજ લંડન પરિવારના સભ્યોએ તેમજ સિંગાપોર, નૈરોબી, કેન્યાના સભ્યોએ એક સારા હેતુથી આ ટુક ટુક યાત્રા શરૂ કરી હતી. જેનો ઉદ્દેશ્ય ફંડ એકત્રિત કરવા અને વિદ્યાર્થીઓની સેવા કરવાનો તેમજ શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે. શિશુકુંજ "બાળ દેવો ભાવ"ના સૂત્રને સાથે રાખીને દરેક બાળકના મૂળ અધિકારોના સંરક્ષણ કરી અને તેઓને ઉત્તમ સ્વાસ્થ્ય, ઉત્કૃષ્ઠ શિક્ષણ અને સુરક્ષિત જીવન મળે તેના માટે કામ કરે છે.
ભુજની શિશુકુંજ શાળામાં હોસ્ટેલ અને ટીચર ટ્રેનિંગ સેન્ટર માટે કર્યું ફંડ એકત્રિત: વર્ષ 2013થી ભુજમાં શિશુકુંજ ઈન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી અને આ શાળાના સંકુલમાં હોસ્ટેલ અને ટીચર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ચેરિટી કરીને ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે.આ ટુક ટુક યાત્રા દરમિયાન 108 યુવાનોએ તો ફંડ આપ્યું જ છે સાથે સાથે યાત્રા દરમિયાન એટલું ફંડ એકત્રિત થઈ ચૂક્યું છે જેના થકી સ્કૂલમાં હોસ્ટેલ અને ટીચર ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ થઇ જશે.
શિશુકુંજ શિક્ષણ સંકુલ માટે મોટું દાન: 3000 કિમીની આ યાત્રામાં ટુક ટુક ટીમ અવનવા અવરોધોને પાર કરી તેમના સંકલ્પ અને કૌશલ્યથી એકતા સાથે આગળ વધી છે અને એન.આર.આઈ. કચ્છીઓ રામેશ્વરથી 36 રિક્ષા દ્વારા કચ્છમાં આવ્યા છે. જેઓ સેવા ઇન્ટરનેશનલના નેજા હેઠળ શિશુકુંજ શિક્ષણ સંકુલ માટે મોટું દાન પણ આગામી સમયમાં કરશે. 36 જેટલી રિક્ષામાં કુલ 108 યુવા ભાઈ-બહેનો કચ્છમાં આવ્યા છે. ભારતની વસુદેવ કુટુંબની ભાવના સાથે અનેક દેશોમાં યુવાઓ ભારતભ્રમણના અનુભવ સાથે પટેલ ચોવીસીના ગામોમાં પણ આવ્યા છે.
આ પણ વાંચો: