અમદાવાદમાં એક વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં ઠગ યુવકે વેબસાઈટ હેક કરીને 45 ટીકીટ બુક કરાવીને કંપનીને માત્ર 45 રૂપિયા જ ચુકવ્યા અને બાકીના રૂપિયા પોતાના ખાતામાં જમા લીધા હતા. કંપનીના ડાયરેક્ટરે હિસાબ ચેક કરતાં તેની સાથે હેકર 7.36 લાખનો ચૂનો લગાવી ગયો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમે ગુનામાં સામેલ હેકરની હરિયાણાથી ધરપકડ કરી છે.
"આ મામલે એક હેકરની ધરપકડ કરી છે. આરોપી આરોપી છેલ્લા દોઢ વર્ષથી આ રીતે વેબસાઈટ હેક કરીને આ પ્રકારે હોટલ બુકિંગ, શોપિંગ વેબસાઈટ અને એર ટિકીટના બુકિંગ વેબસાઈટ હેક કરીને આ રીતે ઠગાઈ આચરતો હતો. હાલ તેણે આ પ્રકારની કેટલીક વેબસાઈટ હેક કરીને કેટલા રૂપિયાની ઠગાઈ આચરી તે અંગે તપાસ ચાલુ છે.--" જીતેન્દ્ર એમ. યાદવ, (ACP, સાયબર ક્રાઈમ, અમદાવાદ)
એર ટિકિટ બુક: ચાંદખેડામાં રહેતા કરણ ચૌહાણ ગ્લોબલ ગાર્નર સેલ્સ નામની કંપની ધરાવે છે. તેમની કંપનીમાં કામ વેબસાઇટ તથા એપ્લીકેશન મારફતે લોકોને મોબાઇલ રિચાર્જ કરી આપવાનું, બીલ પેમેન્ટ, ગિફ્ટ વાઉચર કે હોટલ અને એર ટિકિટ બુક કરી આપવાનું છે. તેઓ ઇઝી માય ટ્રીપ નામની મીડીયમ કંપની વોલેટની મદદથી એર ટિકિટ બુક કરવાનું કામ કરે છે. જેમાં કોઇ પણ કસ્ટમ ઓનલાઇન બુકીંગ કરીને જે પેમેન્ટ મીડીયમ કંપની મારફતે પોતાને મળતું હોય છે. હવે કંપની ડાયરેક્ટર કરણ ચૌહાણ પોતાની કંપનીના ડેટા ચેક કરતાં તેમના ધ્યાનમાં આવ્યું હતું. કે કોઇ કસ્ટમરે તારીખ 26 મી જાન્યુઆરીથી તારીખ 28મી જાન્યુઆરી 2023 દરમિયાન જુદા જુદા મોબાઇલ નંબરની મદદથી પોતાની કંપની મારફતે 45 એર ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. જેમાં ડોમેસ્ટીક ઉપરાંત દુબઈ અને મોરેશિયસની ઇન્ટરનેશનલ ફ્લાઇટનું પણ બુકિંગ થયું હતું.
7.36 લાખનો ચૂનો: સાયબર ઠગ દ્વારા એવું સેટિંગ કરવામાં આવ્યું હતું કે દરેક બુકિંગ એક રૂપિયો જ કરણ ચોહાણની કંપની ખાતામાં જમા થતો હતો. આ સેટિંગ દ્વારા સાયબર ગઠીયાએ કરણની કંપનીને રૂપિયા 7.36 લાખનો ચૂનો લગાવ્યો હતો. તે વોલેટમાં આવતાં રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દેતો હતો. આ મામલે સાયબર ક્રાઈમે હરિયાણાના હિસારમાંથી 20 વર્ષીય અમર જગદીશ હેરી ઉર્ફે નાયક નામના યુવકની ધરપકડ કરી છે.