- કોરોના ત્રીજી લહેરનું આગોતરૂ આયોજન કરવા ધારાસભ્યની ભલામણ
- સરકારના આયોજનની ત્રુટિઓની તાપસ કરાવવા માંગ
- સરકાર મોતના સાચા આંકડા છુપાવતી હોવાના આક્ષેપો
અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે, કોરોનાના કારણે પ્રજા ખૂબ જ ભયભીત બની છે. રોજ કમાઈને રોજ ખાનારા વ્યક્તિઓને બે ટાઈમનું જમવાનું પણ મળવું મુશ્કેલ બન્યું છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડ, વેન્ટિલેટર, ઓક્સિજનની ખૂબ મોટા પાયે અછત સર્જાય છે. રાજ્યના મોટાભાગના સ્મશાનોમાં ભઠ્ઠી ઓછી પડતી હોવાના કારણે ચીમની અને દરવાજા ઓગળી ગયાના સમાચાર પણ મળી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર મૃત્યુના સાચા આંકડા છૂપાવવામાં વ્યસ્ત છે.
મોરબીડ અને કો મોરબીડની માયાજાળ રચીને મૃત્યુના સાચા આંકડા છુપાવી રહ્યા
રાજ્ય સરકારની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રજૂઆત કરી છે કે, કોરોનાના દર્દીઓને ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ પૂરતા પ્રમાણમાં મળતાં ન હોવાથી રાજ્યમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ અતિશય વધી ગયું છે. રાજ્ય સરકાર કોરોનાથી થયેલા મૃત્યુના સાચા આંકડા જાહેર કરવાના બદલે મોરબીડ અને કો મોરબીડની માયાજાળ રચીને મૃત્યુના સાચા આંકડા છુપાવી રહી છે.
આ પણ વાંચો : MLA ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા ગ્યાસુદ્દીન શેખ પણ કોરોનાની ઝપેટમાં
શાનો અને કબ્રસ્તાનમાં 10થી 12 કલાકનું વેટિંગ
અમદાવાદ શહેરમાં GMDC ગ્રાઉન્ડમાં ઉભી કરાયેલી ધનવંતરી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાના કારણે આ હોસ્પિટલોના દરવાજે મૃત્યુ થયાના બનાવો નોંધાયેલા છે. સ્મશાનો અને કબ્રસ્તાનમાં 10થી 12 કલાકનું વેટિંગ ચાલતું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાનોમાં જગ્યા ખાલી ન હોવાના કારણે એક સાથે ત્રણ ચાર સભ્યોની અંતિમ ક્રિયા ભેગી કરાતી હતી. આવી પરિસ્થિતિના કારણે છેલ્લા બે માસમાં સમગ્ર રાજ્યમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ મોટું છે.
આ પણ વાંચો : કર્મકાંડી બ્રાહ્મણોની સાથે તમામ ધર્મોના ગુરૂઓને વળતર મળવું જોઇએઃ ગ્યાસુદ્દીન શેખ
નામદાર કોર્ટના સીટીંગ જજનું તપાસપંચ નિમાય
કોરોનાની વિકટ પરિસ્થિતિ અંગે રજૂઆત કરતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે કે, કોરોના અંગે રાજ્ય સરકારની રહી ગયેલી ત્રુટિઓની તપાસ કરવા અને ત્રીજી લહેર આવે ત્યારે કોરોના સામે લડવા માટે આગોતરૂ અને સુંદર આયોજન થાય તે માટે નામદાર કોર્ટના સીટીંગ જજનું તપાસપંચ નિમાય છે. જેથી સરકારની જે ભૂલો થઈ તે કયા કારણોસર થઇ ? અધિકારીઓએ સરકારને કયા તબક્કે ઉઠા ભણાવ્યા ? સરકાર ક્યાં નિષ્ફળ રહી છે ? વગેરે બાબતોની તપાસ થઈ શકે છે.