અમદાવાદઃ કોરોના સંક્રમણના પગલે લોકડાઉનની સ્થિતિમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. તે માટે ગુજરાત યોગ બોર્ડે ઓનલાઈન યોગ શિબિરનો આરંભ કર્યો છે. લૉકડાઉનની સ્થિતિમાં લોકો ઘરે રહીને યોગ-અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત યોગ બોર્ડે ગુરુવારથી ઝૂમ એપ્લિકેશન જેવી ટેકનોલોજીના માધ્યમથી આ ઓનલાઈન યોગ શિબિર શરુ કરી છે. આ શિબિર દરરોજ સવારે 7-00 થી 8-00 યોજાશે.
ઓનલાઈન યોગ શિબિર વિશે વાત કરતાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી કહે છે કે, કોરોનાના ચેપથી રક્ષણ મેળવવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ જરુરી છે અને યોગ તેનો ઉકેલ છે. લોકડાઉનના કારણે ઘરમાં લોકો ભય અને તણાવનો સામનો કરી રહ્યા છે, ત્યારે યોગાભ્યાસ એ તેનું સમાધાન છે. તેઓ આ પહેલ પાછળનું કારણે જણાવે છે, લોકો ઘરમાં જ રહેતા હોવાથી ઓક્સિજનની કમી,નકારાત્મક વિચારો અને શારિરીક કસરતનો અભાવની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે યોગ આ ત્રણેયનો રામબાણ ઈલાજ છે. તેઓ ઉમેરે છે કે, યોગથી વ્યક્તિનો તણાવ ઘટે છે અને ઉત્સાહ વધે છે.