અમદાવાદ : ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ગરમી ઓછી થઈ છે. ત્યારે વરસાદી માહોલ બાદ ફરી વખત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીના પ્રમાણમાં વધારો : ગુજરાતમાં ગત સપ્તાહમાં અને થોડાં દિવસો અગાઉ પણ અમદાવાદ સહિત અનેક જગ્યાએ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે કમોસમી વરસાદના કારણે અમદાવાદ સહિતના શહેરોના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે હવે ફરી એક વખત ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
ચોમાસાના આગમનની તૈયારીઓ છે અને બંગાળની ખાડીમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં પહોંચતા ચોમાસાને હજુ 22થી 25 દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. જેથી ગુજરાતીઓને ત્યાં સુધી ગરમી અને બફારો સહન કરવો પડશે. હાલ તો હવામાન ખાતાએ બિહાર, બંગાળ સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો માટે હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...ડો.મનોરમા મોહંતી (ડાયરેકટર હવામાન વિભાગ)
યલો એલર્ટ જાહેર : હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે ખાસ કરીને આગામી 4 જૂન અને 5 જૂનના રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યના તાપમાનમાં આ દિવસો દરમિયાન 1થી 2 ડિગ્રી તાપમાન વધારો નોંધાઈ શકે છે. એટલું જ નહીં 24 કલાક દરમિયાન તાપમાન 40થી 42 ડિગ્રી આસપાસ રહી શકે છે.
5 દિવસ વાતાવરણ સૂકું : હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમી રાજસ્થાન અને તેની નજીક આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સકર્યુલેશન સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ગરમીનો પારો ઊંચો જવાની સાથે ચોમાસાના આગમન પહેલાં ગુજરાતવાસીઓએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહિ પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે અને સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની શકયતાને કારણે ગરમી ઘટશે.
બફારો વધ્યો : આ સપ્તાહમાં તાપમાનમાં 1 ડિગ્રી વધારા સાથે મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી જેટલું નોંધાઈ શકે છે. ત્યારે હવે વરસાદ અને ગરમીના સમન્વય વચ્ચે ચોમાસુ આવતા પહેલા લોકોએ ફરી એક વાત બળબળતી ગરમીમાં શેકાવું પડશે. હાલ જોવા જઈએ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 41.05 ભાવનગરમાં 41.7 અને રાજકોટમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જોકે અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાતા હોવાથી વાતાવરણમાં ગરમીની સાથે બફારો પણ વધી ગયો છે.