અમદાવાદ: કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. આવનારા દિવસોમાં વાતાવરણમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે હવે ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 10થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે: હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ઠંડી સામાન્ય રહેવાની સંભાવના છે જેથી ઠંડીનો પ્રકોપ જોવા નહિ મળે. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું જોવા મળશે. થોડા સમય અગાઉ માવઠાની કારણે ઠંડીના વધારો નોંધાયો હતો. પરંતુ હવે ફરીથી ઠંડી ઓછી થતાં રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે.
ક્યાં કેટલું તાપમાન: હાલ નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 18.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જોકે 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી જેટલું વધશે અને અમદાવાદમાં આજે તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
ખેડૂતોને રાહત: હવામાન વિભાગની આગાહી બાદ હાલ માવઠાની કોઈ શક્યતા ન હોવાને લીધે ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે. થોડા સમય અગાઉ માવઠાએ ગુજરાતમાં જાહેર વર્તાવતા સમગ્ર રાજ્યમાં ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. જોકે માવઠાની કારણે ખેતરોમાં ઊભા પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ધીરે ધીરે આકાશમાંથી વાદળો દૂર થઈ રહ્યા છે અને વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે.