અમદાવાદ : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે ખાબકેલા વરસાદે તારાજી સર્જી છે જેમાં ખેડૂતોના ઊભા પાક અને વીજળી પડવાની અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગઈ કાલે વરસેલા વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.
દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદની સંભાવના : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈ કાલે રવિવારે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને કારણે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે.
ખેડૂતોમાં ભયનું મોજું : ગઈ કાલે સમગ્ર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતોમાં ચિંતા વધી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શિયાળુ પાકને લઈને નુકશાનની ભીતિમાં ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યુ છે.
એકાદ જગ્યાએ હળવો વરસાદ પડવા આગાહી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે રાજ્યમાં વરસાદને લઇ એલર્ટ નથી. જોકે રાજ્યમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ તાપીમાં હળવો વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ એકાદ જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે. ભાવનગર, બોટાદમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ ની શક્યતા છે. રવિવારે પડેલા કમોસમી વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ નર્મદામાં નોંધાયો હતો અને નવસારી તથા વલસાડમાં પણ ભારે વરસાદ રહ્યો હતો. કમોસમી વરસાદને લીધે ગઈ કાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની સૂચના : અમદાવાદ સ્થિત હવામાન વિભાગની કચેરીએ વધુમાં કમોસમી વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઇસ્ટરલી ટ્રફના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના છે. જોકે આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમ કે ભારે વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં વરસાદ ઘટશે.. જોકે પવનની ગતિને જોતા દક્ષિણ ગુજરાતનાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.