અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર ડિગ્રી કેસ મુદ્દે અરવિંદ કેજરીવાલે કરેલ ટિપ્પણી સામે ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ અંતર્ગત નેતાઓને સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. જેની સામે કેજરીવાલ રાહત માટે થઇને સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, તેમ છતા તેને રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેમાં જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ સમીર દવેએ આ કેસ બાબતે સેશન્સ કોર્ટને દસ દિવસમાં નિર્ણય લેવા માટે આદેશ આપ્યો હતો.
આવતીકાલે સુનાવણી કરવામાં આવશે : આરોપીઓના વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સેશન્સ કોર્ટે તેમને પૂરતા સાંભળ્યા નથી. તેમને કેસની પ્રાયોરિટી પ્રમાણે તારીખ અપાય ન હતી. ત્યારે હાઇકોર્ટે સીટી સિવિલ જજ અત્યારે ઉપલબ્ધ છે કે કેમ તે પૂછતા જણાવ્યું હતું કે, હાલ તેઓ રજા પર છે, તેવું જાણવા મળ્યું હતું. જસ્ટિસ સમીર દવેએ સીટી સિવિલ કોર્ટના અન્ય જજની બેંચ સમક્ષ આ કેસ ચલાવવા માટે કહ્યું હતું. તેમજ દસ દિવસમાં આ મેટર ડિસાઈડ કરવા માટે હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આપેલા આ આદેશના પગલે આવતીકાલે જજ જે.એમ. બ્રહ્મભટ્ટની કોર્ટમાં હિયરિંગ થશે. આવતીકાલે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
મેટ્રો કોર્ટમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી : અત્રે મહત્વનું છે કે, મેટ્રો કોર્ટમાં છેલ્લે સુનાવણી 31 ઓગસ્ટના રોજ હતી ત્યારે હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે રિવિઝન અરજી ઉપર સુનાવણી પહેલા મેટ્રો કોર્ટમાં બંને પક્ષોના સહમતિથી કાર્યવાહી મુલતવી રાખી શકાશે. જેના પગલે 31 ઓગસ્ટના રોજ મેટ્રો કોર્ટમાં આ કેસની સુનાવણી મુલતવી રખાઈ હતી અને હવે મેટ્રો કોર્ટમાં આ કેસમાં 23 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી થશે.
સેશન્સ કોર્ટે પણ અરજી ફગાવી હતી : સેશન્સ કોર્ટની કાર્યવાહી બાદ મેટ્રો કોર્ટમાં આ કેસ અંગેનો નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ સંજય સિંહ સામે મેટ્રોકોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું હતું. આ સમન્સને રદ કરવા માટે તેમજ કાર્યવાહી પર રોક લગાવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેને અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.