અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર છે તે ફરી એક વાર સિદ્ધ થયું છે. ગાંધીનગર કરાઈ ખાતે આવેલી પોલીસ એકેડેમીમાં ચેકિંગ દરમિયાન તાલીમાર્થીઓના રહેવાના બેરેકમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. કાયદાનું પાલન અને રક્ષણ કરવાની જવાબદારી પોલીસ વિભાગને સોંપવામાં આવી છે. ત્યારે પોલીસ એકેડેમીમાં જ આવી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ અંગેની જાણ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને થતાં તેઓેએ તાલીમાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
બેરેકમાંથી મળી દારૂની બોટલ: ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે અલગ અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુ છે. તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને રહેવા માટે બેરેકની સુવિધા આપવામાં આવે છે. સ્વચ્છતા અને શિસ્ત ઝળવાઈ રહે તે માટે સમયાંતરે બેરેકનું ચેકિંગ કરવામાં આવે છે. આવા એક ચેકિંગ દરમિયાન બેરેકના એક રૂમમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ કોઈ તાલીમાર્થીની હોવાનું સામે આવ્યું હતું. આ બનાવથી પોલીસ એકેડેમીના સંચાલન અને વ્ચવસ્થા ઉપર પ્રશ્નો ઊભા થયા છે.
વિકાસ સહાયે આપ્યો આદેશ: પોલીસ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ કરાઈની આ બેરેકોમાં સમયાંતરે ચેકીંગ થતું હોય છે. આ પ્રમાણે જ ચેકીંગ ચાલી રહ્યું હતું ત્યારે બેરેકમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થવા પામી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે વાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને પણ કરવામાં આવી હતી. તેઓએ તાલીમાર્થી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
તાલીમાર્થીની ધરપકડ: કરાઈ પોલીસ એકેડેમી જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યના પોલીસ વડાની સૂચનાથી ડભોડા પોલીસ સ્ટેશનમાં તાલીમાર્થી પીઆઇ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલમાં તાલીમાર્થી પીઆઈ નિરંજન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તાલીમાર્થી પીઆઈ નિરંજન ચૌધરી આ દારૂની બોટલ ક્યાંથી, કોની પાસેથી અને કેટલા સમય પહેલા લાવ્યો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.