અમદાવાદ : રાજ્યમાં આવેલા ખરાબ રોડ રસ્તા અને રખડતા ઢોરના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં ગઈકાલની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આજની સુનાવણીમાં અરજદાર દ્વારા ખરાબ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
કોર્ટમાં શું કરાઈ રજૂઆત : અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્ટના અનેક હુકમો છતાં પણ પાલન થતું નથી. ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીએ કોર્ટ સમક્ષ જાણ કરી હતી કે, તમામ રસ્તાઓનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એ જવાબ સંપૂર્ણ નથી. હજુ સુધી ખરાબ રોડ રસ્તા સંપૂર્ણપણે સમારકામ થયું નથી. કોર્ટ અનેક હુકમો કરે છે તેમ છતાં પણ પાલન નથી થતું. તેના માટે કોર્ટના હુકમના તીરસ્કાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને સીટી એન્જિનિયર જવાબદાર હોવાની અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : Gujarat High Court : રખડતા ઢોરના ત્રાસની કામગીરીમાં બેદરકારી નહીં રખાયની AMC એ આપી બાંહેધરી
સરકાર પાસે કોઈ નીતિ નથી : કોર્પોરેશનના અધિકારીઓ પોતાની ફરજ બજાવતા નથી. જે પણ જવાબદારી અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવે છે. તો તેમને સજાના ભાગરૂપે તેમનું એક ઇન્ક્રીમેન્ટ રોકી દેવામાં આવે છે, પરંતુ આ સજાના ભાગરૂપે અધિકારીઓને કોઈ જ ફરક પણ નથી પડતો. અરજદાર દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે, રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકાર પાસે કોઈ જ નીતિ નથી. કોર્પોરેશનને જે નીતી બનાવી છે તેની અમલવારી પણ થઈ રહી નથી. અરજદારે સરકાર તરફથી તેમજ કોર્પોરેશન તરફથી જે પણ કામગીરી કરવામાં આવી રહી છે તેની વાત કોર્ટના ધ્યાને મૂકી હતી.
ગ્રાઉન્ડ પરની નક્કર કામગીરી : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે રખડતા ઢોરના ત્રાસ મુદે અને રસ્તાની અધુરી કામગીરી બાબતે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. વારંવાર કરેલા હુકમો છતાં પણ યોગ્ય કામગીરી નહીં થઈ રહી હોવાનું કોર્ટે નોંધ લીધી હતી. આ સમગ્ર મામલે અરજદારની સંપૂર્ણ વાત કોર્ટે ધ્યાનમાં લીધી હતી અને કોર્પોરેશનને તમામ બાબતનો ઇનપુટ અહેવાલ રજૂ કરવા માટે તેમજ જે પણ ગ્રાઉન્ડ પરની નક્કર કામગીરી કરવામાં આવી છે. તેનો અહેવાલ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે એવો આદેશ કરવામાં આવ્યો છે. શુક્રવાર સુધીમાં સંપૂર્ણ કામગીરી સાથેનો નક્કર પગલા લીધેલો રિપોર્ટ કોર્ટને આપવામાં આવે એવો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 29 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, ત્યારે કોર્પોરેશન અને રાજ્ય સરકાર પોતાનો જવાબ રજૂ કરી શકે છે.