અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ એવાય કોગજેની ખંડપીઠે દ્વારા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા આરોપીની સજાને સ્ટે આપવામાં આવ્યો છે. આ સાથે જ આરોપી દ્વારા જે જામીન માંગવામાં આવ્યા હતા. તેને પણ ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા હતા. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, 21 વર્ષીય યુવક સામે યુવતીના પરિવાર દ્વારા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં યુવાન સામે લગ્ન માટે દબાણ કરવું, મહિલાનું અપહરણ કરવું જેવા વિવિધ ગુનાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર કેસની તપાસ ચાલુ હતી.
અપરાધી ઠેરવવામાં આવ્યો હતો : યુવાન સામે ગુનો નોંધાયા બાદ આ સમગ્ર કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ગાંધીનગર કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. ગાંધીનગર કોર્ટ દ્વારા આ યુવાન સામે કલમ 363 હેઠળ અપહરણ માટેની સજા, કલમ 366 હેઠળ સ્ત્રીનું અપહરણ કરવા અથવા તો તેને લગ્ન કરવા માટેનું દબાણ કરવું, કલમ 376 દુષ્કર્મની સજા અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસ ચાલ્યા બાદ યુવાન સામે કલમ 6 અને 4 હેઠળ સજાપાત્ર અપરાધો માટે તેને અપરાધી ઠેરવવામાં આવ્યો હતો.
યુવાન યુવતી બંને વચ્ચે પ્રેમ સંબંધો : ગાંધીનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલી આ આદેશ અને ચુકાદા સામે અરજદાર ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના આદેશને પડકાર્યો હતો. અરજદારના વકીલ ભાવિક સામાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે યુવાન અને યુવતી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા. ત્યારે યુવાનની ઉંમર આશરે 21 વર્ષની હતી અને પીડિતા ફરિયાદીની 17 વર્ષની હતી. જ્યારે આ સમગ્ર કેસ ટ્રાયલ કોર્ટની પેન્ડિંગ દરમિયાન નિયમિત જામીન અરજી પર હતો, પરંતુ હવે આ કેસમાં ટ્રાયલમાં થોડો સમય લાગવાની શક્યતા છે. તેથી સજા પર સ્ટે આપીને અરજદારને કાયમી જામીન આપવામાં આવે.
આ પણ વાંચો : Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ
જામીન અરજીનો વિરોધ : જ્યારે આ સમગ્ર મામલે રાજ્ય સરકારના વકીલ તીર્થરાજ પંડ્યા દ્વારા આ જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે, આરોપીને પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે એ પણ અવલોકન કર્યું છે કે, અરજદારની ઉંમર હાલમાં 23 વર્ષની છે. અરજદાર દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તે કોર્ટે પહેલેથી જ સ્વીકારી લીધેલી છે.
બંને જણા પતિ અને પત્ની તરીકે રહેતા : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ જસ્ટિસ એવાય કોગજેની ખંડપીઠે જણાવ્યું હતું કે, તમામ પુરાવોને ધ્યાનમાં રાખતા અને જોતા સમજી શકાય છે કે જે તે સમયે યુવાન અને યુવતી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા અને બંને જણા પતિ અને પત્ની તરીકે રહેતા હતા. આ સાથે જ કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે અરજદારનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ પણ નથી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ભગવાન રામ શિંદે ગોસાઈના ચુકાદા પર આધાર રાખ્યો હતો અને અરજદારને શરતી જામીનની મંજૂરી આપી હતી. આ સાથે જ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને પણ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી સ્થગિત કરી છે.