અમદાવાદ : રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે તે મુદ્દે આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને ખરાબ માસનું વેચાણ કરનાર દુકાનો સામે જે અરજી દાખલ થઈ છે; તેમાં આજે હાઇકોર્ટે સરકાર અને દુકાનદારોને મીટીંગ કરી હાઇકોર્ટમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
દુકાનદારો દ્વારા વાંધો રજૂ થયો : છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મુદ્દે સુનાવણી ચાલી રહી છે. ત્યારે આજે જે સુનાવણી હાથ ધરાઈ હતી તે સુનાવણી દરમિયાન દુકાનદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી ઉપર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. દુકાનદારો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કતલખાના બંધ કરાવવાની સરકારની જે કાર્યવાહી છે તે તદ્દન અયોગ્ય છે. રાજ્યમાં બધાએ શાકાહારી થવું એ કેવી રીતે શક્ય છે? શું કડકાઈથી અમલીકરણ કરવામાં આવશે તો રાજ્યમાં બધા શાકાહારી બની જશે ખરા? આ સાથે જ લાયસન્સવાળી દુકાનો પણ સીલ કરી દેવામાં આવી છે એવી રજૂઆત કરવામાં આવી હતી માન્ય પ્રાપ્ત લાયસન્સ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની સુચના કે નોટિસ આપ્યા વગર દુકાનો બંધ કરી દેવામાં આવી છે એવી દુકાનદારોના વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચો Gujarat High Court: ગેરકાયદે ચાલતા કતલખાના યુદ્ધના ધોરણે બંધ કરો
સરકારનો જવાબ : આ સમગ્ર મામલે રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અમે લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ફૂડ મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈની રોજગારી છીનવાઈ જાય તેવો અમારો કોઈ જ પ્રયત્ન કે આશય નથી.
સરકાર અને દુકાનદારોની મીટિંગનો રિપોર્ટ સોંપવા આદેશ : જોકે આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો ચલાવી જ લેવાશે નહીં. જે પણ દુકાનો કે ગેરકાયદેસર કતલખાના હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જ. આ સાથે જ દુકાનદારોએ પોતાના લાયસન્સ રીન્યુ પણ કરાવવા પડશે એવી પણ કોર્ટે ટકોર કરી હતી. આ સાથે જ કોર્ટ દ્વારા દુકાનદારોની રજૂઆતને ધ્યાનમાં રાખતા આદેશ કર્યો છે કે સરકાર દુકાનદારો સાથે મીટીંગ કરે અને આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરે.
આ પણ વાંચો Illegal Slaughter Houses in Ahmedabad : ગેરકાયદે કતલખાના અને દુકાનો બંધ અંગેના સરકારના રિપોર્ટ સામે ગુજરાત હાઇકોર્ટને શંકા
સુરતના નોનવેજ શોપની દુકાનોના માલિકની અરજી : મહત્વનું છે કે હજુ ત્રણ દિવસ પહેલા જ સુરતના નોનવેજ શોપની દુકાનોના માલિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે રજૂઆત કરી હતી કે અમારી પાસે માન્ય લાયસન્સ હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈપણ સૂચના કે નોટિસ આપ્યા વિના અમારી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. જોકે ગુજરાત હાઇકોર્ટે તેમની આ અરજીને સ્વીકાર કર્યો હતો અને જે ગેરકાયદેસર કતલખાના મુદ્દે જાહેર હિતની અરજી ચાલી છે તેમાં તેમનો પક્ષકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
બેઠકના રીપોર્ટ બાદ યોજાશે વધુ સુનાવણી : અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા દુકાનદારોની રજૂઆતને ધ્યાનમાં રાખતા આદેશ કર્યો છે કે સરકાર દુકાનદારો સાથે બેઠક કરીને ચર્ચા કરવામાં આવે અને તેના તારણ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં હવે દુકાનદારો અને સરકાર વચ્ચે મીટીંગ થયા બાદ સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ આગળની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.