અમદાવાદ : મસ્જિદોમાં લાઉડ સ્પીકરોમાં વાગતી અઝાનના મુદ્દે ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ મુદ્દો પહોંચ્યો છે. ગાંધીનગરના બજરંગ દળ દ્વારા હવે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જાહેર હિતની અરજીમાં બજરંગ દળએ પક્ષકાર તરીકે જોડાવા માટે હાઇકોર્ટ સમક્ષ માંગણી કરી છે જેને ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી છે.
બજરંગ દળના સંયોજકે પક્ષકાર તરીકે જોડાવા પરવાનગી માગી :મસ્જિદોમાં લાઉડ સ્પીકરોમાં વાગતી અઝાનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ મસ્જિદોમાં વગાડવામાં આવતી લાઉડસ્પીકરના અઝાન મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે જાહેર હિતની અરજી કરનાર વ્યક્તિ અરજદાર અને વકીલને ધમકી મળતા હવે બજરંગ દળ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગાંધીનગરના બજરંગ દળના સંયોજકે આ જાહેર હિતની અરજીમાં અરજદાર તરીકે જોડાવા માટે પરવાનગી માંગી છે.
શું છે મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરમાં રહેતા વ્યકિત દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, દિવસમાં પાંચથી છ વખત જે મસ્જિદોમાં લાઉડ સ્પીકરોમાં અઝાન વાગતી હોય છે તેના કારણે સામાન્ય લોકોની તકલીફ પડે છે અને પોતાની પણ તકલીફ પડે છે. આ સમગ્ર કેસની સુનાવણી તો ચાલી રહી હતી પરંતુ થોડા સમય પછી અરજદાર દ્વારા પોતાની અરજી પાછી ખેંચી લેવા માટે માંગ કરવામાં આવી હતી. અરજદારને અને વકીલને ધમકી મળતા અને અન્ય કોઈ કારણોસર આ અરજી પાછી ખેંચવા માટે માંગ કરી હતી.
ગેરકાયદેસર મસ્જિદો બની રહી છે : જોકે આ સમગ્ર મામલો ગાંધીનગર બજરંગ દળને ધ્યાનમાં આવતા તેમણે હવે આ મુદો ઉઠાવવામાં આવ્યો છે. આ અરજીમાં પક્ષકાર તરીકે જોડાવા માટે તેમણે અરજી કરી હતી. હાઇકોર્ટ અરજી માન્ય રાખતા આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાંધીનગર વિસ્તારમાં ગેરકાયદેસર મસ્જિદો બની રહી છે તેનો પણ મુદ્દો પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો મસ્જિદમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધની માગ સાથે હાઈકોર્ટમાં PIL દાખલ
સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. લાઉડ સ્પીકરોમાં થતી અજાનના કારણે ઘણા લોકોને તકલીફ પડે છે તો તે ઘટનાને અટકાવવા માટે રાજ્ય સરકારે શું પગલા લીધા છે? અથવા તો શું પગલાં લઈ રહી છે તેનો તમામ જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
12 એપ્રિલ સુધીમાં વિગતવાર સોગંદનામુ રજૂ કરવાનું રહેશે : આ મુદ્દાને ધ્યાનમાં રાખતા હાઇકોર્ટે વિગતવાર એફિડેવિટ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે .12 એપ્રિલ સુધીમાં રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા સમય આપવામાં આવ્યો છે કે 12 એપ્રિલ સુધીમાં રાજ્ય સરકારે વિગતવાર સોગંદનામુ રજૂ કરવાનું રહેશે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શું પગલાં લીધા ,શું નિર્ણય કરી રહી છે અથવા તો શું વિચાર કર્યા છે તે તમામ રિપોર્ટ રાજ્ય સરકારે 12 એપ્રિલ સુધીમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.