અમદાવાદ : ગુજરાતની ભાજપ સરકારમાં પૂર્વ શિક્ષણપ્રધાનનું પદ પ્રાપ્ત કરનારા અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર વર્તમાન ધારાસભ્ય જીતુ વાઘાણીની વિધાનસભાની જીત સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. ચૂંટણીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીના નામે જે પત્રિકાઓનું વેચાણ કર્યું હતું એ સંદર્ભે જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે હાઇકોર્ટે સમન્સ ઇસ્યુ કર્યા છે. આ કેસની ગુજરાત હાઇકોર્ટ સુનાવણી આગામી દિવસોમાં થઈ શકે છે.
આ પણ વાંચો જીતુ વાઘાણીએ મને હરાવવા સામ-દામ દંડભેદની નીતિ અપનાવીઃ રાજુ સોલંકી
શું છે સમગ્ર કેસ : આ કેસની વિગતો જોઈએ તો ભાવનગર વેસ્ટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ સોલંકી દ્વારા આ ઇલેક્શન પિટિશન ફાઇલ કરવામાં આવી છે. જીતુભાઈ વાઘાણી ભાવનગર તરફથી વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. ચૂંટણીના એક દિવસ પહેલા પત્રિકાઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં પત્રિકાઓનું કલર કોમ્બિનેશન આમ આદમી પાર્ટીનું હતું અને તેમાં એવું લખાણ લખવામાં આવ્યું હતું કે હું રાજુભાઈ સોલંકી જીતુભાઈ વાઘાણીને મારું સમર્થન જાહેર કરું છું. આ પત્રિકાઓના આધારે તે સમયે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી તેમજ ઇલેક્શન કમિશનને પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
આચારસંહિતાનો ભંગ : આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ આ બાબતે જાણ કરી હતી કે મારી વિરુદ્ધ ખોટી રીતે જીતુ વાઘાણીએ પત્રિકાઓ છાપીને પોતાની જીત મેળવી છે. પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી પરંતુ તેમાં જીતુ વાઘાણીને આરોપી ગણાવ્યા ન હતા. જીતુ વાઘાણીએ એક રીતે આચારસંહિતાનો પણ ભંગ કર્યો હતો અને પોતાની જીત મેળવવા માટે મારા નામનો ઉપયોગ કરીને તેમણે ખોટી રીતે આ જીત મેળવી છે.
આ પણ વાંચો ભાવનગર પશ્ચિમ બેઠક પર જ્ઞાતિ સમીકરણ વચ્ચે જીતુ વાઘાણી જીતનું પુનરાવર્તન કરી શકશે
રાજુ સોલંકીએ શું માંગ કરી : રાજુ સોલંકીએે કરપ્ટ પ્રેક્ટિસિસના ગ્રાઉન્ડ ઉપર જીતુ વાઘાણીને ઇલેક્શન સ્ટેટ સાઈડ કરવામાં આવે અને તેમને ગેરલાયક ઠરાવવામાં આવે તેવી માંગ કરી છે. આ કેસને લઈને હાઇકોર્ટ જીતુ વાઘાણી ઇલેક્શન કમિશન, ભાવનગરના ડીઇઓ સહિત પાંચ લોકો સામે હાઇકોર્ટે સમન્સ ઇશ્યૂ કર્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકી દ્વારા જે પિટિશન ફાઇલ કરવામાં આવી છે તેનો હાઇકોર્ટે સ્વીકાર કરીને જીતુ વાઘાણી સામે સમન્સ ઇશ્યૂ કર્યું હતું અને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું.
જીતુ વાઘાણીને સમન્સ ઇશ્યુ થયું હતું : અત્રે નોંધનીય છે કે આજે જીતુ વાઘાણીને હાઇકોર્ટે સમન્સ ઇશ્યુ કરીને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જીતુ વાઘાણી હાજર રહ્યા ન હતાં. તેથી આ કેસની સુનાવણી હવે આગામી દિવસોમાં થઈ શકે છે. હાઇકોર્ટ હવે આ કેસ બાબતે શું પગલાંઓ લે છે અને શું પોતાનું નિર્ણય જણાવે છે તેની ઉપર સૌ કોઈની નજર છે.