અમદાવાદ : રાજ્યમાં આવેલા બિસ્માર રોડ રસ્તા અંગેની હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ખરાબ રોડ રસ્તા અંગેનો વ્યવસ્થિત એફિડેવિટ રજૂ કરવા ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને આદેશ આપ્યા છે. 17 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ માહિતી સાથે એફિડેવિટ ફાઇલ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે.
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી : ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર અંગેની સુનાવણી ચાલી રહી છે. ત્યારે બિસ્માર રોડની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખરાબ રોડ રસ્તા અંગેની પરિસ્થિતિ હોવાના કારણે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ હાઇકોર્ટે રોડ રસ્તાની સ્થિતિ અંગે એફિડેવિટ ફાઈલ કરવા માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આદેશ આપ્યો હતો.
ખરાબ ક્વોલિટીના રોડ : અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અત્યારે જે પણ નવા રોડ રસ્તા બની રહ્યા છે તે ખૂબ જ ખરાબ ક્વોલિટીના બની રહ્યા છે. જેમાં રસ્તા બનાવવા માટે ઉપયોગી થતું મટીરીયલ પણ ખૂબ જ હલકી કક્ષાનું હોય છે. જેના કારણે વારંવાર નવા રોડ રસ્તા તૂટી જાય છે અને લોકોના એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે. અરજદાર એ પણ રજૂઆત કરી હતી કે રોડ રસ્તાઓનું રેગ્યુલર મોનિટરિંગ ન થતું હોવાનું એક મુખ્ય કારણ પણ રોડ રસ્તા ખરાબ હોવાનું છે.
આ પણ વાંચો : Gujarat High Court: હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થઈ, મળ્યા બે નવા જજ
હાઈકોર્ટની નારાજગી : જોકે હાઈકોર્ટમાં જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી તેના કારણે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે, માત્ર બે લાઈનમાં એફિડેવિટ રજૂ ન કરો પરંતુ વ્યવસ્થિત રીતે એફિડેવિટ રજૂ કરવામાં આવે. હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે, ફક્ત રોડ રસ્તાની ફરિયાદો અને આંકડાઓ જ નહીં પરંતુ તેના પર શું કામ થયું એ જણાવો. નાગરિકોની ફરિયાદો, તેના પર અત્યાર સુધીમાં શું પગલાં લેવામાં આવ્યા અને ફોટોગ્રાફ સાથે એફિડેવિટ ફાઇલ રજૂ કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે.
આ પણ વાંચો : Gujarat High Court : જે પણ સંસ્થામાં કામ કરવું એનું હિત અને વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી : ગુજરાત હાઇકોર્ટ
રજૂઆત છતાં પગલા નહીં : મહત્વનું છે કે, ગત સુનાવણીમાં પણ અરજદાર દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. રાજ્યમાં આવેલા વિવિધ ખરાબ રસ્તા અંગેની સ્થિતિ પણ એની એ જ છે હાઇકોર્ટના વારંવાર હુકમ છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. બિસ્માર રોડ રસ્તા અંગેનો 17 એપ્રિલ સુધીમાં વિગતવાર માહિતી સાથે એફિડેવિટ ફાઈલ રજૂ કરવામાં આવે એવો કોર્ટે નિર્દેશ આપ્યા છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી 17 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.