અમદાવાદ: મેડિકલ શાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. GMERS ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે ફી વધારો પરત લીધો છે. એટલે કે રાજ્ય સરકારે ફી વધારો મોકૂફ રાખ્યો છે. તેમજ સેલ્ફ ફાઇનાન્સ અને સરકારી ક્વોટામાં ફી વધારો કર્યો હતો. જેમાં વાલીઓએ ભારે વિરોધ કર્યો હતો.જેને પગલે રાજ્ય સરકારે આ ફી વધારો મોકૂફ રાખ્યો છે.
મોટાપાયે વિરોધ: ગુજરાત સરકાર દ્વારા મેડિકલ શૈક્ષણિક વર્ષ 2023-24 ના પ્રથમ રાઉન્ડમાં MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જાણ કરી હતી. તારીખ 20 જુલાઈ, 2023 ના પત્ર અનુસાર મેડિકલ કોલેજોની નવી ટયુશન ફી રૂપિયા 5.50 લાખ, મેનેજમેન્ટ ક્વોટા ફી રૂપિયા 17 લાખ તથા એનઆરઆઈ કવોટાની ફી 25,000 યુએસ ડોલર નક્કી કરવામાં આવી હતી. ગઈ કાલે રાજ્ય સરકાર સાથે થયેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ફી વધારાનો વાલીઓ દ્વારા મોટાપાયે વિરોધ થયો હતો. જેને પગલે સરકાર સાથેની બેઠક પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જીએમઈઆરએસ મેડિકલ કોલેજોની ગર્વમેન્ટ કવોટાની ટયુશન ફી રૂપિયા 3.30 લાખ, મેનેજમેન્ટ ક્વોટા ફી રૂપિયા 9,07,500 તથા એનઆરઆઈ કવોટાની ફી 22,000 યુએસ ડોલર રાખવા જણાવ્યું છે.
એડમિશન કન્ફર્મ: પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવશે. નવેસરથી પ્રથમ રાઉન્ડની ફીલિંગ ચાલુ કરવામાં આવશે. એડમિશન કમિટીની વેબસાઈટ પર સત્તાવાર જાહેરાત કરાઈ હતી. વધુમાં જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ટ્યૂશન ફી ભરેલી છે. અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટરમાં જમા કરાવ્યા છે. તેમજ એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે. એડમિશન ઓર્ડર મેળવી લીધો છે. અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલ છે. તેવા તમામ વિદ્યાર્થીઓને એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓ ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે.