અમદાવાદઃ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે. ગ્રાહકો સરકારી રાશનની દુકાનમાંથી આ અનાજની ખરીદી કરતા હોય છે, પરંતુ કેટલાક રાશન વેચનારા લોકો કૌભાંડ કરીને કરોડો રૂપિયાનું અનાજ સગેવગે કરવાનું કામ કરતા હોય છે. ત્યારે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવવા તેમ જ આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડક સજા કરાવવા રાજ્ય સરકારે SIT બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો
SIT ગુનાઓની સમીક્ષા કરશેઃ સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરશે. તેમ જ તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અધ્યક્ષ તરીકે સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષક હશે. આ ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પૂરવઠાના નિયામક તેમ જ સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના પોલીસ અધિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
SITમાં આ અધિકારીઓ પણ હશેઃ આ SITમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના મેનેજિંગ ડાયરેકટર હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પૂરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધિક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Budget Session: રાજ્યમાં 447 કંપની પાસેથી સરકારે 4470 કરોડનો વેટ વસૂલવાનો બાકી
અધિકારીઓ આપશે માર્ગદર્શનઃ ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે. તેમ જ યોગ્ય માર્ગદર્શન આપશે. આ ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઈ ગયેલી છે. તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય પ્રધાનને રજૂ કરવાની રહેશે.