અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં સૌપ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કર્યો છે. આ અંગે રાજ્ય પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી રાજ્યના 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે. જ્યારે શેરડી કાપણી-ભરણીના વ્યવસાય માટે લઘુત્તમ વેતન દરમાં સરેરાશ 100 ટકાનો વધારો થયો છે, જેના કારણે અંદાજે 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે.
રાજ્યપ્રધાનને મળ્યા હતા વાંધાસૂચનોઃ આ અંગે રાજ્યપ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2014થી લઘુત્તમ વેતનના પ્રવર્તમાન દરની સમીક્ષા કરી છે. ઉપરાંત સરકારે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડ સાથે વિચારવિમર્શ કરીને લઘુત્તમ વેતનના દર સુધારવાનું નક્કી કર્યું છે. લઘુત્તમ વેતન ધારા હેઠળની અનૂસુચિ પૈકીના 46 વ્યવસાયો સંદર્ભે જણાવતાં રાજ્યપ્રધાને ઉમેર્યું હતું કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધાસૂચન મગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે વિવિધ વાંધાસૂચનો મળ્યા હતા.
શ્રમિકોના વેતનમાં 24 ટકાનો વધારોઃ રાજ્યપ્રધાને હાલની પરિસ્થિતિ જણાવતા કહ્યું હતું કે, લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા 46 વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કૉર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન 9,887.80 રૂપિયા મળે છે. તેના સ્થાને માસિક વેતન 12,324 રૂપિયા મળશે. આમ, થવાથી શ્રમિકના માસિક વેતનમાં 2,436.20 રૂપિયા એટલે કે 24,63 ટકાનો વધારો થશે.
શ્રમિકોને ફાયદોઃ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન 9,653.80 રૂપિયા મળે છે. તેની જગ્યાએ હવે માસિક વેતન 11,986 રૂપિયા મળશે. એટલે કે, તેમાં 2,332.20 રૂપિયાનો માસિક વધારો થશે, જે સરેરાશ 24.15 ટકાનો વધારો થાય છે. આ જ રીતે બિનકુશળ શ્રમિકને માસિક વેતન 9,445.80 રૂપિયા મળે છે. તેની જગ્યાએ માસિક વેતન 11,752 રૂપિયા મળશે. એટલે કે 2,306.20 રૂપિયાનો માસિક વધારો થશે, જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે.
કયા શ્રમિકોને કેટલો ફાયદો જૂઓઃ રાજ્યપ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કૉર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન 9,653.80 રૂપિયા મળે છે. તેની જગ્યાએ માસિક વેતન 12,012 રૂપિયા મળશે. એટલે કે, તેમાં 2,358.20 રૂપિયાનો માસિક વધારો થશે, જે સરેરાશ 24.42 ટકાનો વધારો થાય છે. આ જ રીતે અર્ધકુશળ શ્રમિકને 9,445.80 રૂપિયાના સ્થાને માસિક વેતન 11,752 રૂપિયા મળશે. એટલે કે, તેમાં 2,306.20 રૂપિયાનો માસિક વધારો થશે, જે સરેરાશ 24,41 ટકાનો વધારો થાય છે. ઉપરાંત બિનકુશળ શ્રમિકને માસિક વેતન 9,237.80 રૂપિયા મળે છે. તેની જગ્યાએ 11,466 રૂપિયા મળશે. એટલે કેસ 2,228.20નો માસિક વધારો થશે, જે સરેરાશ 24.12 ટકાનો વધારો થાય છે.
આ પણ વાંચોઃ Gujarat Budget Session: જંગલ સાચવવા પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ-ઉદ્યોગોને જમીન દઈ 78 કરોડનો વકરો કર્યો
વાંધાસૂચનોને ધ્યાનમાં લેવાયાઃ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લઘુત્તમ વેતન ધારા હેઠળ શેરડી કાપણી-ભરણીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકો માટે લઘુત્તમ વેતનદરમાં વધારો કરવા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધાસૂચન મગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. હાલમાં પ્રવર્તમાન દર 238/ પ્રતિ ટન છે. આ જાહેરનામાના અનુસંધાને ખાંડ ઉદ્યોગ તેમ જ સહકારી મંડળીઓ દ્વારા 5 (પાંચ) વાંધાસૂચનો મળ્યા હતા. તેમ જ શ્રમિક મંડળો તરફથી એક વાંધાસૂચન મળ્યું હતું. આ વાંધાસૂચનો ઉપર ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની ભલામણો મેળવવામાં આવી હતી. તેની પર પુખ્ત વિચારણાના અંતે વેતનના દરોમાં 100 ટકાનો વધારો કરી 476 પ્રતિટન કરવામાં આવ્યો છે, જેનાથી અંદાજે 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે.