અમદાવાદઃ ગુજરાતના તમામ શહેરોમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જોકે, તંત્રની અનેક પ્રકારની કાર્યવાહી છતાં પણ રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત્ છે. ક્યાંકને ક્યાંક દરરોજ રખડતાં ઢોરના ત્રાસના કારણે ઘણા લોકોના મૃત્યુ અને ઈજા થવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે. ખરાબ રોડ અને રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટે જે સુઓમોટો કરી છે. તેને લઈને આજે (સોમવારે) વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. તેમાં સરકાર દ્વારા રખડતા ઢોરનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સમયની માગ કરવામાં છે.
આ પણ વાંચો પક્ષીઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવા મુદ્દે HCમાં PIL
સરકારે આપી હતી બાંહેધરીઃ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે, આજ દિન સુધી તમે રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે કયા કયા પગલાં લીધા છે? આ મામલે સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા અમે તમામ જરૂરી પગલાં લીધા છે. તેમ જ સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસને લઈને બાંહેધરી પણ આપી હતી કે, તેઓ આગામી દિવસોમાં પણ રખડતા ઢોરને ત્રાસને ડામવા પગલા લઈ રહી છે.
HCએ સરકારની રજૂઆત માન્ય રાખીઃ મહત્વનું છે કે, ગત સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા સરકાર પાસે રખડતા ઢોર અંગેનો એક્શન રિપોર્ટ માગવામાં આવ્યો હતો. જોકે, એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે સરકારે હાઇકોર્ટ પાસે સમય માગ્યો છે અને હાઇકોર્ટે સરકારની આ રજૂઆતને માન્ય પણ રાખી છે. આવનારા દિવસોમાં સરકાર રખડતા ઢોરને લઈને જે પણ એક્શન ટેકન રિપોર્ટ હશે તમામ માહિતી આગલી સુનાવણીમાં રજૂ કરશે. હાઇકોર્ટે સરકારની તમામ વાતને ધ્યાનમાં રાખીને 13 ફેબ્રુઆરી સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
આંખલાઓનું ખસીકરણ કરાયુંઃ ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક સરવે પણ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને સૌથી વધુ ઈજા આંખલાના કારણે થતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સરવે કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં 50,000ની આસપાસ રખડતા આંખલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછું કરવાનો પ્રયાસ કરવાનો આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મેડિકલ એડવાઈઝ પણ લેવામાં આવી હતી.
સરકારે એક્શન પ્લાન ઘટી કામગીરીના આદેશ આપ્યોઃ મહત્વનું છે કે, રખડતાં ઢોરોની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની સાથે જે એક્શન પ્લાન ઘડી કામગીરી કરવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ કૉર્પોરેશનનું તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. તેને લઈને ગુજરાતમાં સૌપ્રથમવાર વડોદરામાં સીસીટીવી કેમેરા અને ટેગીંગના આધારે રખડતા ઢોરોના માલિકો સામે ફરિયાદ કરવામાં આવી છે. આને લઈને રખડતા ઢોરના માલિકો સામે કૉર્પોરેશનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 9 પશુમાલિકો સામે કેસ કરવામાં આવ્યા હતા. બીજી તરફ જામનગરમાંથી 54 જેટલા ઢોર 2 દિવસમાં પકડવામાં આવ્યા હતા.
13મીએ આગામી સુનાવણીઃ ગુજરાત હાઈકોર્ટની રખડતા ઢોરના આતંકને લઈને જે સુઓમોટો કરવામાં આવી છે. આના કારણે તંત્ર અને સરકાર બંને હરકતમાં આવ્યા છે. સરકાર હવે જે એક્શન ટેકન રિપોર્ટ કરશે તેના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 13 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.