- રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયો ચોંકાવનારો ખુલાસો
- ગ્રીન ડોટ વાળા ફૂડ વેજ છે કે નોન વેજ, તે ચકાસવા કોઈ સુવિધા જ નહિં
- રાજ્ય સરકારમાં આ બાબતને લઈને સજાગતા હોવી જોઈએ: અરજદાર
અમદાવાદ: પેકેજિંગમાં આવતા વેજિટેરિયન ફૂડ પર ગ્રીન અને નોન વેજિટેરિયન ફૂડ પર બ્રાઉન ડોટ મારવામાં આવે છે, પરંતુ આ ફૂડ બનાવતી વખતે ઉપયોગમાં લેવાતી સામગ્રી ખરેખર વેજિટેરિયન છે કે કેમ? તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનવણી દરમિયાન રાજ્ય સરકારે કબૂલાત કરી હતી કે, સરકાર પાસે તેની ચકાસણી કરવા માટે કોઈ મેકેનિઝમ જ નથી.
ફરજિયાત ટેગ મારવાની જોગવાઈ, પણ તેની ખરાઈ કરવા કોઈ મેકેનિઝમ જ નહિં
પેકિંગમાં આવતી ફૂડ આઇટમોમાં લગાવતા ગ્રીન ડોટ મામલે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે, પેકિંગમાં આવતી આઇટમોની ચેકીંગ સુવિધાની લેબ રાજ્યમાં નથી. અમારે હજી આમાં સંશોધન કરવું પડે તેમ છે. અમે હાલ આ બાબતે કંઈ કરી શકીએ નહીં. મીડિયા સાથે વાતચીત કરતા અરજદારના વકીલ નિમેષ કાપડિયાએ જણાવ્યું હતું કે, સરકાર ખાદ્ય પદાર્થ વેજિટેરિયન છે કે નોન વેજિટેરિયન તેની ઓળખ કરવા માટે ગ્રીન અને બ્રાઉન ટેગ લગાવવાની ફરજ પાડે છે, પણ એ ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવેલી સામગ્રી ખરેખર વેજિટેરિયન છે કે નહીં? તે તપાસવા માટે સરકાર પાસે કોઈ મેકેનિઝ્મ જ નથી. આ ઉપરથી એવું લાગે છે કે, સરકારને કોઈની ધાર્મિક આસ્થાની પડી જ નથી.
20 વર્ષથી આ કાયદો માત્ર કાગળ પર જ છે: અરજદાર
અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, લોકોની ધાર્મિક લાગણી જળવાય તે માટે સરકારે આ નિયમો બાબતે સજાગતા દાખવી પડે. 20 વર્ષથી આ કાયદો માત્ર કાગળ પર જ છે. સુનવણી દરમિયાન બંને પક્ષની દલીલો સાંબળી કોર્ટે અવલોકન કર્યું હતું કે, જે લોકો માત્ર પોતાની ધાર્મિક આસ્થાને કારણે નોનવેજનું સેવન ન કરતા હોય તેમની માટે આ મોટી ઘટના છે. લોકો ટેગ જોઈને જ વસ્તુઓ ખરીદતા હોય છે. લોકોને પોતે ખરીદેલી વસ્તુ વેજિટેરિયન છે કે નોન વેજિટેરિયન તે જાણવાનો અધિકાર છે. ભારતના બંધારણમાં પણ વ્યક્તિને તેના અંતઃ કારણથી પોતાનો ધર્મ પાડવાનો અધિકાર છે. વધુમાં કોર્ટે ગ્રીન ડોટવાળું ફૂડ વેજ છે કે નોન વેજ તે પ્રજાને કેવી રીતે ખબર પડે? તે માટેનો રિપોર્ટ એક મહિના બાદ હાઇકોર્ટમાં રજૂ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે.