મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા કમલાબહેન શર્મા તેમના પતિ સાથે રહે છે. સંતાનમાં તેઓને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ છે, જેમાંથી એક પુત્રનું અવસાન થયું હતું. કમલાબહેનનો પૌત્ર દિનેશ ઉર્ફે સોનુ કોઇ કામધંધો કરતો નહોતો. તે અવારનવાર દારૂ પીવા માટે પરિજનો પાસે પૈસા માંગતો હતો.
થોડા દિવસ અગાઉ કમલાબહેનના પતિ સુરત તેમના પુત્રના ઘરે ગયા હતા, ત્યારે આ દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદી એટલે કે, કમલાબહેન પાસે આવી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. ત્યારે તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે મનાઇ કરી હતી. તે વખતે આરોપી દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદીને મારી નાખવાની ધમકી આપી બહાર ગયો. થોડા સમય બાદ તે ફરી ઘરે આવ્યો અને દાદીને ગળું દબાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પાડોશીએ કમલાબેનને દિનેશના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી તેણે કમલાબેન પર જીવલેણ હુમલો કરી તેમને લોબીની દિવાલ પર લટકાવી દીધા હતા.
આ વાતની જાણ પરિજનોને થતાં તેમને કમલાબહેનને છોડાવ્યા હતા. બાદમાં કમલાબેને બાપુનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલ, પોલીસે આ મામલે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.