અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, સુરતની અગ્નિકાંડની ઘટના બાદ પણ ફાયરની અનેક ઘટનાઓ બની છે અને તેને ડામવા માટે સરકારે કાર્યવાહી કરી પરંતુ અધુરી હોવાનું નજરે પડે છે. કાયદો માત્ર કાગળ પર રહે તેવી સ્થિતિમાં સમાજનો હિત ન હોવાની પણ દલીલ કરવામાં આવી હતી. ફાયર સેફટીનું પાલન ન કરતી બિલ્ડિંગ પર કડક કાર્યવાહીની અરજદાર દ્વારા માગ કરવામાં આવી છે. એટલું જ નહિ હાઈ-રાઈઝ બિલ્ડિંગની બનાવટમાં ધારા-ધોરણમાં ફેરફાર કરી શકાય તેવી પણ માગ કરી હતી.
હાઈકોર્ટ દ્વારા આ મુદે ફટકારવામાં આવેલી નોટીસનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. સુરતની ઘટના બાદ ફાયર સેફટીને લઈને સમગ્ર રાજ્યમાં ક્યા પ્રકારના પગલા લીધા અને ક્યાં હજુ વધું કામ કરવાની જરૂર છે તેવી વિગતો દર્શાવતો એક્શન ટેકન રિપોર્ટ રાજ્ય સરકાર અગામી 10મી ઓક્ટોબર સુધીમાં રજુ કરી શકે તેવી શક્યતા છે. અરજદારે જાહેરહિતની અરજીમાં તક્ષશિલાના અગ્નિકાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતમાં ફાયર સેફટીનો કાયદો હોવા છતાં કેટલીક રહેણાંક અને કર્મશિયલ બિલ્ડિંગમાં ફાયર એનઓસી અને નિયમોનું પાલન થતાં નથી તેમને તાત્કાલિક સીલ કરી દેવાની માગ કરી હતી.. જો કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોને વળતર મળી રહે તેના માટે ફાયર ઈન્શોરેન્સને ફરજીયાત કરવામાં આવે એવી માગ કરી હતી. એટલું જ નહિ કોમર્શીયલ અને રેસીડેન્સીયલ ગેરકાયદેસર બિલ્ડિંગ કે જેમાં આ કાયદાનુ પાલન કરતા નથી તેઓને કાયમી સીલ કરવામા આવે તેવી માગ સાથે અગાઉ જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત અગ્નિકાંડના આરોપીઓને યોગ્ય સજા મળે તેવી માગ સાથે મૃતકના માતા-પિતા દ્વારા પણ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી, જે હાલ પેન્ડિંગ છે.