અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે નરોડા વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગર રાઠોડ તેમજ માણેકચોક વિસ્તારના સોની વેપારી કેતન સોનીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 45 લાખ તેમજ સોનાના પટ્ટી આકારના પતરા જેનું વજન 546 ગ્રામથી વધુ તેમજ દીરહામની ચલણી નોટો એમ કુલ મળીને 80 લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
સેનેટરી પેડ અને બાળકોના ડાયપરથી ચોરી: આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ મુખ્ય આરોપી જયેશ સોની અને જીગ્નેશ ઉર્ફે જીગર રાઠોડની પત્ની શીલાની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો કે શીલા રાઠોડ અગાઉ પણ ચાર વખત દુબઈથી સોનુ આ રીતે દાણચોરી કરીને લાવી છે. અને તે સેનેટરી પેડ તેમજ બાળકના ડાયપરમાં સંતાડીને સોનું ભારતમાં લાવતી હતી.
'અગાઉ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ, બાદમાં મુખ્ય આરોપી સહિત 4 ની ધરપકડ કરાઈ છે. હજુ પણ દુબઈમાં આરોપીઓને સોનુ આપનાર આરોપી વોન્ટેડ છે. આરોપીઓ 2021 થી આ રીતે ડાયપર અને સેનેટરી પેડમાં સંતાડીને સોનુ દાણ ચોરી કરીને લાવતા હતા.' -ચૈતન્ય મંડલીક, DCP, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
દુબઈ ક્નેક્શનઃ આરોપી જીગ્નેશ ઉર્ફે જીગરની પૂછપરછ કરતા અમદાવાદના જયેશ સોની નામના માણસે તેને તેમજ તેની પત્ની શીલાને દુબઈ ખાતે સોનું લાવવા માટે મોકલી હતી. દુબઈ જવા આવવાની એર ટિકિટ તેમજ ચાર દિવસ રહેવાનો હોટલનો ખર્ચ સહિત આ ટ્રીપ દરમિયાન 25 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
ત્રણ દિવસનું રોકણઃ દુબઈ ખાતે નીલ હોટલમાં ત્રણેક દિવસ રોકાયા હતા. જે દરમિયાન સોનીના કહેવા મુજબ તેમનો કોઈ ચેતન ચૌધરી નામનો માણસ હોટલ ઉપર આવીને પહેરવા માટે એક વજનદાર બન્યાન તેમજ એક વજનદાર અંડરવેર આપ્યો હતો. તેની પત્ની શીલા માટે એક વજનદાર સેનેટરી પેડ પણ આપ્યું હતું.
આ કપડાઓમાં કેમિકલ મિશ્રિત સોનું ભેળવેલું હોવાનું જણાવ્યું હતું, જે વસ્તુઓ પહેરીને બંને પતિ પત્ની જય સોનીના કહેવા મુજબ દુબઈથી 19મી જુન 2023 ના રોજ નીકળી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા.
અમદાવાદ આવ્યાઃ જ્યાં ઇમિગ્રેશન અને કસ્ટમમાંથી હેમખેમ બહાર નીકળી બોરીવલી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન આવી ત્યાંથી એક લક્ઝરીમાં બેસી અમદાવાદ આવ્યા હતા. કપડામાં છુપાવેલું સોનુ તેની પાસેથી લૂંટાઈ ગયું હોવાનું જણાવી તે પછી તેની સાથે પકડાયેલ તેનો મિત્ર કેતન સોનીને આપ્યું હતું.તે સોનુ અલગ કરી તેમાંથી કેટલુક સોનું વેચી તે પેટે 45 લાખ આપ્યા હોવાનું અને વેચાણ કર્યા પછી બાકી રહેલા 546 ગ્રામ 22 મિલિગ્રામનું સોનું કેતન સોની પાસેથી મળી આવ્યું હતું.
કસ્ટમને જાણ કરાઈઃ જે મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો છે. આ સોનાની તસ્કરી બાબતે કસ્ટમ વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે. આરોપીઓ આ સોનું કયા સ્વરૂપે લાવ્યા હતા, પકડાયેલા કેતન સોનીએ આ સોનું કઈ રીતે અલગ કર્યું હતું, તેમજ 45 લાખની કિંમતનું સોનું કઈ વ્યક્તિને વેચાણ આપ્યું છે. આ સોનુ મંગાવનાર જયેશ સોનીનું આખું નામ સરનામું મળી આવ્યું ન હોય તે વ્યક્તિ કોણ છે.