ઘાટલોડિયામાં ભોગ બનનાર યુવતી તેના પરિવાર સાથે રહે છે અને તેની સામે જ કનુ સિંગાડીયા નામના યુવકની દુકાન આવેલી છે. યુવતીની રાજસ્થાનમાં સગાઈ કરવામાં આવી હતી. ત્યારે 30 જુલાઈએ કનુ સિંગાડીયા યુવતીના ઘરે આવ્યો હતો અને ધમકી આપી હતી કે, યુવતીના બીજી જગ્યાએ લગ્ન કરાવવામાં આવશે તો તેની સાથે ગેંગ રેપ કરશે અને જબરજસ્તી લગ્ન કરી યુવતીની સગાઈ તોડાવી નાખશે.
આ ધમકી આપતા જ યુવતીએ ડરથી 5માં માળેથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, પડતાની સાથે યુવતીને કમર અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. ત્યાર બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે યુવતીના ભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
30 તારીખના બનાવની પોલીસે 7 ઓગસ્ટે ફરિયાદ નોંધતા અનેક શંકાઓ ઉભી થઇ છે. ત્યારે, પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, અગાઉ જાણવા જોગ ફરીયાદ લીધી હતી. જેમાં તપાસ કરતા વધુ વિગત બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હજુ સુધી પોલીસ આરોપી યુવકને પકડી શકી નથી, પોલીસે આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો હાથ કર્યા છે.